સાયલા-ચોટીલા હાઈવે પર બે જુદા જુદા અકસ્માતમાં ચારના મોત, સાત ઈજાગ્રસ્ત
- સુરેન્દ્રનગર જિલ્લામાં 19 કલાકમાં બે ગમખ્વાર અકસ્માત
- ગોસળ પાસે રસ્તા પર પડેલા મૃત પશુના લીધે અને ડોળિયા પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો ઃ તમામ મૃતદેહને પીએમ માટે ખસેડી પોલીસની કાર્યવાહી
સાયલા : સાયલા-ચોટીલા હાઈવે પર ૧૯ કલાકમાં જુદા જુદા બે અકસ્માતો સર્જાયા હતા. જેમાં કુલ ચાર લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે સાત લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ચારેય મૃતદેહોને સાયલાની હોસ્પિટલમાં પીએમ માટે મોકલવામાં આવી હતી. જ્યારે તમામ ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખાતે રીફર કરાયા હતા. બંને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
લીંબડીથી ચોટીલા ભજન સાંભળવા માટે જઈ રહેલી ઈકો કારને ગોસળ પાસે અકસ્માત નડયો હતો. ગોસળ પાસે મૃત પશુ રસ્તા પર પડેલું હતું, જેના લીધે કાર રસ્તાની સાઈડની ખાડમાં પલટી મારી ગઈ હતી. જેમાં કમલેશભાઈ ગોરધનભાઈ કોશિયા અને સવજીભાઈ ચતુરભાઈ કોશિયાનું મોત નિપજ્યું હતું.
જ્યારે ચિરાગભાઈ જગદીશભાઈ કુકડીયા, જીજ્ઞોશ બળદેવભાઈ કોશિયા, જીગર રમેશભાઈ કોશિયા, લલિત મુકેશભાઈ કુકડીયા, વનરાજસિંહ પ્રભાતભાઈ ડોડીયા, જનકભાઈ અંબારામભાઈ મંડલી અને જગદીશભાઈ ચતુરભાઈ માથુકિયાને ઈજાઓ પહોંચતા પ્રાથમિક સારવાર આપીને સુરેન્દ્રનગર ખાતે રીફર કરાયા હતા. ઘટનાની જાણ થતાં જ સાયલા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહને સાયલા હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે બીજા અકસ્માતમાં સાયલા તાલુકાના ડોળિયા ગામ પાસે રાજકોટ તરફથી આવતી કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં સાયલાના ગોસળ ગામના મુકેશ ભુપતભાઈ કટોસણા અને ધ્રાંગધ્રાના જેગડવા ગામના અરજણ ઝવેરભાઈ કુમકણિયાનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. બંને મૃતદેહોને સાયલા સર્કલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવી હતી.