સિમેન્ટના ટેન્કરમાં હેરાફેરી કરાતો 25 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

Updated: May 5th, 2024


Google NewsGoogle News
સિમેન્ટના ટેન્કરમાં હેરાફેરી કરાતો 25 લાખનો વિદેશી દારૂ ઝડપાયો 1 - image


- લીંબડી હાઈવે પર પરશુરામ ધામ પાસેથી 

- રાજકોટ તરફ જતાં ટેન્કરને એલસીબીએ ઝડપી પાડયું : રાજસ્થાનથી દારૂનો જથ્થો લાવવામાં આવતો હોવાની ચાલકની કબુલાત : બે શખ્સો સામે ગુનો નોંધાયો

સુરેન્દ્રનગર,લીંબડી : અમદાવાદથી રાજકોટ તરફ જતા રાજસ્થાન પાસિંગના સિમેન્ટના ટેન્કરમાંથી સુરેન્દ્રનગર એલસીબીએ રૂ.૨૫ લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. એલસીબીએ કુલ રૂ. ૩૭.૩૯ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ટેન્કર ચાલકની પુછપરછ હાથ ધરતા આ ટ્રીપ મારવા માટે તેને રૂ.૧.૮૦ લાખ મળવાના હોવાનું જણાવ્યું હતું. ચાલકની અટકાયત કરી એલસીબીએ વધુ તપાસ હાથ ધરી છે. 

અમદાવાદ તરફથી આવતું રાજસ્થાન પાસિંગનું સિમેન્ટના ટેન્કરમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરીને રાજકોટ તરફ જનાર હોવાની બાતમી સુરેન્દ્રનગર એલસીબીને મળી હતી. જેના આધારે એલસીબીએ લીંબડી-રાજકોટ હાઈવે પર પરશુરામધામ પાસેથી શંકાસ્પદ હાલતમાં પસાર થતાં એક સીમેન્ટ ભરેલા ટેન્કરને રોક્યું હતું.

એલસીબીએ તેની તલાસી લેતા રૂ.૨૧.૫૦ લાખની કિંમતની અલગ-અલગ બ્રાન્ડની ઈંગ્લીશ દારૂની ૧૦,૯૧૧ નાની-મોટી બોટલો,  રૂ.૩.૫૦ લાખની કિંમતના બીયરના ૩,૫૦૯ ટીન મળી આવ્યા હતા. જેથી એલસીબીએ ટેન્કરચાલકને ઝડપી લઈ પુછપરછ કરતા તે દાલુરામ ભુરારામ શીયાગ (ઉં.વ.૩૩, રહે. બાડમેર, રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું. 

તેમજ સુટર નામના શખ્સે તેને દારૂની ટ્રીપ મારવા માટે રૂ.૧,૮૦,૦૦૦ આપવાનું જણાવતા તે આ ટ્રીપ મારવા સહમત થયો હતો. બે દિવસ પહેલા સુટર નામના શખ્સે રાજગઢથી આગળ શીકર તરફના રસ્તે દારૂ ભરેલું સિમેન્ટનું ટેન્કર રાખ્યું હોવાનું અને તે જ્યાં કહે તે જગ્યાએ ટેન્કર પહોંચાડવાનું જણાવતા દાલુરામ રાજગઢ નજીકથી દારૂ ભરેલું ટેન્કર લઈને શીકરથી કીશનગઢ, પાલી, આબુરોડ, પાલનપુર, મહેસાણા, અમદાવાદ, બગોદરા થઈ તે લીંબડી નજીક પહોંચ્યો હોવાનું જણાવ્યું હતું. 

એલસીબીએ રૂ.૨૫ લાખનો વિદેશી દારૂનો જથ્થો, મોબાઈલ, ટેન્કર અને રોકડ રૂા.૨૮,૦૦૦ મળી કુલ રૂા.૩૭.૩૯ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ટેન્કરચાલક અને સુટર નામના શખ્સ વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલ

અગાઉ પણ સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે લીંબડી-અમદાવાદ હાઈવે પર પાણશીણા નજીકથી દૂધના ટેન્કરમાંથી મોટાપાયે દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. તેમજ સાયલા હાઈવે પરથી પણ મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. ત્યારે લોકસભાની ચૂંટણીને બે-ત્રણ દિવસની વાર છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાંથી લીંબડી પોલીસને અંધારામાં રાખીને એલસીબીએ દારૂનો મોટો જથ્થો ઝડપી પાડતા સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઉઠયા છે. 



Google NewsGoogle News