Get The App

માલવણ ચોકડી નજીક કારમાંથી 2.17 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

Updated: Jun 23rd, 2024


Google NewsGoogle News
માલવણ ચોકડી નજીક કારમાંથી 2.17 લાખનો વિદેશી દારૂ ઝડપાયો 1 - image


- સ્થાનિક પોલીસને અંધારામાં રાખી એસએમસીનો દરોડો

- કાર બીનવારસી છોડી ચાલક ફરાર, ચાર શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધાયો 

સુરેન્દ્રનગર : ગાંધીનગર સ્ટેટ મોનીટરિંગ સેલની ટીમે સ્થાનિક પોલીસને અંધારામાં રાખી પાટડી તાલુકામાં માલવણ ચોકડી પાસે નર્મદા કેનાલ નજીક કારમાંથી રૂ.૨.૧૭ લાખનો વિદેશી દારૂ ઝડપી પાડયો હતો. જ્યારે કારચાલક નાસી છુટયો હતો. એસએમસીએ કુલ રૂ.૧૦.૧૭ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ચાર શખ્સો સામે ગુનો નોંધ્યો છે. એક મહિનામાં બે વખત એસએમસીએ દરોડો કરતા સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલ ઉઠયા છે. 

ગાંધીનગર સ્ટેટ મોનીટરિંગ સેલની ટીમે બાતમીના આધારે પાટડી તાલુકામાં માલવણ ચોકડીથી બજાણા તરફ જતી નર્મદા કેનાલના બ્રિજ પરથી શંકાસ્પદ હાલતમાં પસાર થતી કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ચાલકે કાર ભગાવી મુકી હતી. એસએમસીઓ તેનો પીછો કર્યો હતો પરંતુ અંધારાનો લાભ લઈ કારચાલક નાસી છુટયો હતો.

 એસએમસીએ કારની તલાશી લેતા કારમાંથી ઈંગ્લીશ દારૂની ૧,૭૦૦ બોટલ મળી આવી હતી.  એસએમસીએ રૂ.૨,૧૭,૨૫૫ની કિંમતનો દારૂનો જથ્થો અને કાર મળી કુલ રૂ. ૧૦.૧૭ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર કારચાલક, કાર માલિક, દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનાર એમ ચાર શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

પાટડી તાલુકામાં છેલ્લા એક મહિનામાં સ્થાનિક પોલીસને અંધારામાં રાખી બે વખત એસએમસીએ રેઈડ પડતા પોલીસની કામગીરી સામે સવાલો ઉઠયા છે. તેમજ રાજસ્થાનથી આવતા ઈંગ્લીશ દારૂને પોલીસની રહેમનજર હેઠળ સુરેન્દ્રનગર જિલ્લામાં ઘુસાડવામાં આવતો હોવાના આક્ષેપ ઉઠયા છે. આ અંગે ઉચ્ચકક્ષાએથી તપાસ હાથ ધરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. 



Google NewsGoogle News