સુરેન્દ્રનગર જિલ્લામાં સતત બીજા દિવસે પાંચ શખ્સ છરી સાથે ઝડપાયા
- જિલ્લામાં ક્રાઇમ રેટ વધતા પોલીસ એક્શન મોડમાં
- વઢવાણમાં ત્રણ અને ધ્રાંગધ્રા પંથકમાંથી બે શખ્સને પોલીસે છરી સાથે દબોચી લીધા
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં સતત બીજા દિવસે પાંચ શખ્સ છરી સાથે ઝડપાયા છે. પોલીસે લોકોમાં ભય ફેલાવતા વઢવાણમાંથી ત્રણ અને ધ્રાંગધ્રા પંથકમાંથી બે શખ્સને છરી સાથે દબોચી હથિયારબંધી જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં ક્રાઇમ રેટ વધતા પોલીસ એક્શન મોડમાં આવી છે. જિલ્લામાં અનેક શખ્સો જાહેરમાં ગેરકાયદેસર હથિયાર લઇ લોકોમાં ભય ફેલાવતા હોવાની ફરીયાદો ઉઠતા પોલીસે ચેકિંગ હાથ ધર્યું છે. જિલ્લા પોલીસે મંગળવારે અલગ-અલગ સ્થળ પરથી ૮ શખ્સોને છરી સાથે ઝડપી લીધા બાદ સતત બીજા દિવસે બુધવારે ચેકીંગ દરમિયાન વધુ પાંચ શખ્સોને છરી સાથે ઝડપી લીધા હતાં.
ધ્રાંગધ્રા સિટી પોલીસે ધોળીધાર પાણીની ટાંકી પાસેથી અનિલ બચુભાઇ વિરમગામીયાને છરી સાથે ઝડપી લીધો હતો. જ્યારે ધ્રાંગધ્રા તાલુકા પોલીસે રામપરા કોંઢ રોડ પરથી બળદેવ કાનજીભાઇ સોલંકીને છરી સાથે ઝડપી લીધો હતો. જ્યારે વઢવાણ પોલીસે અલગ અલગ જગ્યાએથી અજય રમેશભાઈ વાગડીયા, સંજય ગોપાલભાઇ ગોઢાણીયા અને ઇમરાન શબ્બીરભાઇ ભાવનગરવાળાને છરી સાથે ઝડપી લીધા હતાં. પોલીસે તમામ શખ્સો વિરૃધ્ધ હથિયારબંધી જાહેરનામા ભંગ અંગેનો ગુન્હો નોંધી વધુ તપાસની કામગીરી હાથ ધરી છે.