કમોસમી વરસાદની આગાહીને પગલે ખેતીવાડી વિભાગ દ્વારા ખેડુતોને તાકીદ કરાઈ

Updated: Jan 7th, 2024


Google NewsGoogle News
કમોસમી વરસાદની આગાહીને પગલે ખેતીવાડી વિભાગ દ્વારા ખેડુતોને તાકીદ કરાઈ 1 - image


- ફરી વરસાદની આગાહી વચ્ચે ખેડૂતો ચિંતિત

- ખેડૂતોએ ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તાત્કાલિક સલામત સ્થળે ખસેડવા જણાવાયું

સુરેન્દ્રનગર : સમગ્ર રાજ્યના અમુક જીલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા છુટ્ટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં આજે અને આવતીકાલે તા.૦૯/૦૧/૨૦૨૪ દરમિયાન સુરેન્દ્રનગર સહિત બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, વલસાણ અને બોટાદ જીલ્લામાં પણ વાદળછાયા વાતાવરણ અને કમૌસમી વરસાદની આગાહીને કારણે ખેડુતોએ પાકના રક્ષણ માટે જરૂરી તકેદારીના પગલા લેવા ખેતીવાડી વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.

જે મુજબ કમોસમી વરસાદથી થતા પાક નુકસાન સામે બચવા માટે ખેડૂતોએ ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરી અથવા પ્લાસ્ટિક/તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાથી નીચે જતું અટકાવવું. જંતુનાશક દવા અને ખાતરોનો ઉપયોગ આ સમયગાળા પૂરતો ટાળવો, ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહીં તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા જણાવાયું છે. આ અંગે વધુ જાણકારી માટે આપના વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક (તાલીમ) અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૧૮૦ ૧૫૫૧નો સંપર્ક કરવો.


Google NewsGoogle News