રોડ રોલર કટિંગ કરી 4550 કિલો લોખંડ લઈ જતા પાંચ શખ્સો ઝડપાયા

Updated: Sep 27th, 2023


Google NewsGoogle News
રોડ રોલર કટિંગ કરી 4550 કિલો લોખંડ લઈ જતા પાંચ શખ્સો ઝડપાયા 1 - image


- ધોળકાથી એલસીબીએ પકડતા ટાઉન પોલીસ સામે સવાલો

- રૂા. 3.25 લાખનો મુદ્દામાલ જપ્ત : વટામણ પાસે થયેલી રોડ રોલરની ચોરીનો ભેદ ઉકેલાયો

બગોદરા : ધોળકામાં છોટા હાથીમાં ૪,૫૫૦ કિલો કટિંગ કરેલું લોખંડ લઈ જતાં પાંચ શખ્સોને એલસીબીએ પકડયા છે. તેમની પુછપરછ કરતા વટામણ પાસે થયેલી રોડ રોલરની ચોરીનો ગુનો તેમણે કબૂલ્યો હતો. રોડ રોલર કટિંગ કરી તેનો ભંગાર લઈ જતી વેળાએ જ આ પાંચે શખ્સો એલસીબીની ટીમના હાથે ઝડપાઈ ગયા હતા. ત્યારે ટાઉન પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે.

ધોળકા તાલુકાના વટામણ ગામની સીમમાં આવેલી એક સાઈટ ઉપરથી અઠવાડિયા અગાઉ રૂા. ૨.૪૫ લાખની કિંમતનું રોડ રોલર કોઈ અજાણ્યા ઈસમો ચોરી ગયાની પોલીસ ફરિયાદ કોઠ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. ચોરીના આ બનાવનો ભેદ ઉકેલવા માટે અમદાવાદ જિલ્લા ગ્રામ્ય એલસીબીની ટીમ કામે લાગી હતી. દરમિયાન એલસીબી એએસઆઈ વિજયસિંહ મસાણી અને હેડ કોન્સ્ટેબલ જયદીપસિંહ ચાવડાને મળેલી બાતમીના આધારે એલસીબી પોલીસે આ ચોરીના બનાવમાં સંડોવાયેલા પાંચ આરોપીઓને ધોળકાથી ઝડપી પાડયા છે. આરોપીઓએ રોડ રોલરનું કટિંગ કરી નાખ્યું હતું. આથી એલસીબી પોલીસે રોલર કટિંગ કરેલું લોખંડ ૪૫૫૦ કિલો કિંમત રૂ. ૧.૩૭ લાખનું કબજે કર્યું છે. પકડાયેલા આરોપીઓમાં (૧) લાલસિંહ બાબુભાઈ ચૌહાણ (રહે. ખારાકૂવા, ધોળકા), (૨) ભરતભાઈ લવજીભાઈ વાઘેલા (રહે.બારકોઠા, ધોળકા), (૩) અમિત હર્ષદભાઈ ઠક્કર (રહે.ખારાકૂવા, ધોળકા), (૪) રણજીત ઉર્ફે સતીશ ભરતભાઈ વાઘેલા (રહે. ધોળકા) અને (૫) કૈલાશચંદ્ર રામલાલ જાટ (સાંઈદર્શન સોસાયટી, ધોળકા)નો સમાવેશ થાય છે. પોલીસે કબજે કરેલા મુદ્દામાલમાં ૪૫૫૦ કિલો લોખંડ કિમત રૂ. ૧.૩૭ લાખ, અંગઝડતિમાંથી ચાર મોબાઈલ કિંમત રૂા. ૧૫,૫૦૦ તથા છોટા હાથી લોડીંગ કિંમત રૂ. ૧.૫૦ લાખ, ગેસ સિલિન્ડર નંગ - ૧ કિંમત રૂ. ૨૯૦૦, ઓકસીજન સિલિન્ડર નંગ - ૩ કિંમત રૂ. ૧૫,૦૦૦, ગેસ કટર નંગ-૧ કિંમત રૂ. ૫૦૦૦ મળી કુલ રૂ. ૩.૨૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.  આ કામગીરીમાં અમદાવાદ જિલ્લા ગ્રામ્ય એલસીબીના પીઆઈ આર.એન. કરમટીયા, પીએસઆઈ વી.એન. ભરવાડ સહિતનો સ્ટાફ જોડાયો હતો.


Google NewsGoogle News