થાનમાં બે જુથો વચ્ચે મારામારીમાં પાંચ વ્યક્તિઓને ઈજા
- છરી, ધોકા અને પથ્થરોના છુટા ઘા કર્યા
- બંને પક્ષોની સામસામે ફરિયાદના આધારે ૧૪ શખ્સો સામે ગુનો નોંધ્યો
સુરેન્દ્રનગર : થાનના આંબેડકર નગર-૩ માં બે જુથ વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો. જેમાં બંને પક્ષના મળી કુલ પાંચ વ્યક્તિઓને ઇજાઓ પહોંચી હતી. જ્યારે બંને જુથના લોકોએ સામસામે ફરિયાદ નોંધાવતા કુલ ૧૪ શખ્સો સામે પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
થાનના આંબેડકર નગર-૩માં રહેતા દિપકભાઇ કેશાભાઇ ચાવડા પોતાના ઘરે હતા, તે દરમિયાન બીપીનભાઇ ઇશ્વરભાઇ પારઘી અને ભૌતિક મકવાણા ત્યાં અપશબ્દો બોલતા હોય અપશબ્દો બોલવાની ના પાડતા ઉશ્કારયેલા બીપીનભાઇ છરી વડે હુમલો કરવા દોડી આવ્યા હતા.
તેમજ ભૌતિકભાઇ જયંતિભાઇ મકવાણા, સંજયભાઇ ઇશ્વરભાઇ પારઘી અને મયુરભાઇ હસુભાઇ સોલંકીએ હાથમાં પથ્થરો લઇ ધસી આવ્યા હતા અને છુટા પથ્થરોના ઘા મારતા દિપકભાઇ ચાવડા, તેમજ કેશાભાઇ ચાવડા અને ગોવિંદભાઇ વાળાને ઇજાઓ પહોંચતા સારવાર માટે થાન સરકારી હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. આ અંગે દિપકભાઇએ ૪ શખ્સો સામે થાન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો હતો.
ત્યારે આ જ મામલે સામા પક્ષે બિપિનભાઇ ઇશ્વરભાઇ પારઘીએ થાન પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, બિપિનભાઇ તેમના ઘર પાસે બહાર બેઠા હતા. તે દરમિયાન દિપકભાઇ કેશાભાઇ ચાવડા અને પ્રવિણભાઇ કરશનભાઇ વાળા ત્યાં આવીને અંહી બેસવું નહીં તેમ કહી અપશબ્દો બોલવા લાગ્યા હતા અને અન્ય શખ્સો પણ ભેગા થઇ જતાં બિપિનભાઇ ડરના લીધે ત્યાંથી નિકળી ગયા હતા.
ત્યાર બાદ થોડા સમય પછી તેમના ભાઇ સંજય સમાધાનની વાત કરી રહ્યા હતા. તે દરમિયાન દિપકભાઇ કેશાભાઇ ચાવડા, પ્રવિણભાઇ કરશનભાઇ વાળા, મહેશભાઇ કરશનભાઇ વાળા, પરસોત્તમભાઇ ટપુભાઇ ચાવડા, ભરતભાઇ ટપુભાઇ ચાવડા, દિનેશભાઇ ટપુભાઇ ચાવડા, ભોપાભાઇ કેસાભાઇ ચાવડા, નરેન્દ્રભાઈ ભોપાભાઇ ચાવડા, પ્રવિણભાઇ નાજાભાઇ ચાવડા અને કુલદીપભાઇ કરશનભાઇ વાળા સહીત કુલ ૧૦ શખ્સોએ તલવાર, ધોકા, પાઇલ અને છરી સહીતના હથિયારો વડે હુમલો કરી બિપિનભાઇ તેમજ તેમના ભાઇ સંજયને ઇજાઓ પહોંચાડી હતી.
ઈજાગ્રસ્તોને સારવાર માટે પ્રથમ થાન સરકારી હોસ્પિટલ ખાતે અને ત્યાર બાદ વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઇ જવામાં આવ્યા હતા. આ અંગે બિપિનભાઇએ કુલ ૧૦ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બંને પક્ષોની ફરિયાદના આધારે ૧૪ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.