પાટડીના ધામા ગામે દંપતિ સહિત પાંચ વ્યક્તિઓને માર માર્યો
- લોખંડના પાઈપ વડે ફટકાર્યા
- પરિવારના બે શખ્સોએ રસ્તા પરથી પસાર થવા બાબતે હુમલો કર્યાની ફરિયાદ
સુરેન્દ્રનગર : પાટડી તાલુકાના ધામા ગામે બે શખ્સોએ નજીવી બાબતે પાંચ વ્યક્તિઓને પાઈપ વડે માર માર્યો હોવાની ઝીંઝુવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
માંડલ તાલુકાના ટ્રેન્ટ ગામે રહેતા ફરિયાદી રમણગીરી નટુગીરી બાવા પત્નિ અને ત્રણ સાળી કાર લઈને ધામા ગામે બચુગીરીના મઠમાં આવેલી સસરાની સમાધીના દર્શન કરવા જઈ રહ્યાં હતાં. ત્યારે ફરિયાદીના પત્નીના પરિવારજનો યશવંતગીરી અને વીકાસગીરીએ આ રસ્તો ફરિયાદીનો નહીં હોવાનું જણાવી ત્યાંથી નીકળવાની ના પાડી અપશબ્દો બોલ્યા હતા.
તેમજ બન્ને શખ્સોએ ઉશ્કેરાઈ જઈ લોખંડના પાઈપ વડે ફરિયાદીને માથા સહિત હાથે-પગે મારમારતા, પત્ની સગુણાબેન સહિત ત્રણેય સાળીઓ ફરિયાદીને છોડાવવા વચ્ચે પડતા બન્ને શખ્સોએ તેમને પણ લોખંડના પાઈપ વડે માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.
આ અંગે ઝીંઝુવાડા પોલીસે યશવંતગીરી દેવેન્દ્રગીરી ગોસ્વામી અને વીકાસગીરી દેવેન્દ્રગીરી ગોસ્વામી (બન્ને રહે.ધામા) સામે ગુનો નોંધ્યો હતો.