ધુ્રમઠ ગામે આધેડ પર પાંચ શખ્સોનો હુમલો
- અગાઉના ઝઘડાનું મનદુઃખ રાખી
- લાકડી અને ધારિયાથી માર માર્યાની પાંચ સામે ફરિયાદ
ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા તાલુકાના ધુ્રમઠ ગામે પાંચ શખ્સોએ આધેડને લાકડી અને ધારિયા વડે માર માર્યો હોવાની ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.
ધુ્રમઠ ગામે રહેતા કાળુભાઇ હીરાભાઇ લાંબરીયા પોતાના વાડામાં હાજર હતા. ત્યારે ગામના જ સંજયભાઇ વિહાભાઇ ગમારા તથા નારાયણભાઇ મુમાભાઇ ગમારા ત્યાં ધસી આવ્યા હતા અને તમારા કુટુંબના છોકરાએ અમારા કુટુંબની દીકરીનું નામ લીધું છે, તેનું સમાધાન કર્યું નથી તેમ કહી અપશબ્દો બોલી ધારીયા અને લાકડી વડે માર માર્યો હતો.
તેમજ હર્ષદ કાળુભાઇ ગમારાએ ધારીયાનો ઠોસો મારી અપશબ્દો બોલ્યા હતા. દરમિયાન જગાભાઇ હરિભાઇ ગમારા અને જીલાભાઇ હરિભાઇ ગમારા પણ ત્યાં આવ્યા હતા અને અપશબ્દો બોલી ધોલધપાટ કરી હતી. બાદમાં પાંચેય શખ્સો નાસી છુટયા હતા.
ઈજાગ્રસ્તને સારવાર માટે પ્રથમ ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ અને બાદમાં વધુ સારવાર માટે સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અંગે ધ્રાંગધ્રા તાલુકા પોલીસે પાંચ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.