લીંબડીમાં બે પરિવારો વચ્ચે મારામારી થતાં પાંચ લોકોને ઈજા

Updated: Oct 30th, 2023


Google NewsGoogle News
લીંબડીમાં બે પરિવારો વચ્ચે મારામારી થતાં પાંચ લોકોને ઈજા 1 - image


- જૂની અદાવતનું મનદુઃખ રાખી ઝઘડો 

- અનિચ્છનીય બનાવ ના બને તે માટે ઘટના સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો    

લીંબડી : બડીમાં એક જ સમાજના બે પરિવારના સભ્યો વચ્ચે જૂની અદાવતનું મનદુઃખ રાખીને મારામારી થતાં પાંચ લોકોને ઈજા પહોંચી હતી. આ અંગે પાણશીણા પોલીસને જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. તેમજ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો.  

લીંબડીના ભરવાડ નેશમાં રહેતા બે પરિવારો વચ્ચે જૂની અદાવતનું મનદુઃખ રાખીને નજીવી બાબતે ઝઘડો થતાં બન્ને પક્ષના સભ્યો લાકડી તથા ફરસી સહિતના હથિયારો વડે આમને-સામને આવી ગયા હતા. એક બીજા પર કરેલા હુમલામાં જોગરાણા પરિવારના જીતેન્દ્રભાઈ વનાભાઈ, ગોપાલભાઈ રણુભાઈ, શીવજીભાઈ ભુરાભાઈ તેમજ સભાડ પરિવારના ગોપાલભાઈ સભાડ તથા વિપુલભાઈ સભાડ સહિતના બન્ને પક્ષના કુલ પાંચ વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે લીંબડી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં ગોપાલભાઈ સભાડ તથા વિપુલભાઈ સભાડને ગંભીર ઈજાને કારણે વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર ખાતે ખસેડવામાં આવ્યા હતા. બન્ને પરિવારો વચ્ચે ચારેક વર્ષથી ઝઘડો ચાલતો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું. જ્યારે આ બનાવ લઈને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પાણશીણા પીએસઆઈ  સહિત પોલીસ સ્ટાફ દ્વારા ઘટના સ્થળે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ બનાવ અંગેની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.



Google NewsGoogle News