લટુડામાં પાંચ શખ્સોએ દંપતી સહિત ત્રણને માર માર્યો
- વાડીમાં ટેપ વગાડવા બાબતે
- અપશબ્દો બોલી લાકડાના ધોકાથી મારનાર પાંચેય સામે ફરિયાદ
સુરેન્દ્રનગર : વઢવાણ તાલુકાના લટુડા ગામની સીમમાં ટેપ વગાડવા બાબતે પાંચ શખ્સોએ દંપતિ સહીત ૩ વ્યક્તિઓ પર લાકડી વડે હુમલો કરી માર મારી ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યા અંગે જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધ્યો હતો.
લટુડા ગામની સીમમાં રહેતા અને ખેતમજુરી કરતા લાલાજીભાઇ ભાઇલાલભાઇ ધરજીયા વાડીમાં ટેપ વગાડતા હતા. તે દરમિયાન બાજુની વાડીમાં રહેતા બળદેવભાઇ મનજીભાઇ ચાવડા, વિજયભાઇ કરમશીભાઇ, રમેશભાઈ કાસાભાઇ, શ્રાવણભાઇ બળદેવભાઇ સાપરા અને હરેશભાઇ કાંતિભાઇ સહીતનાઓ ધસી આવ્યા હતાં.
પાંચેય શખ્સો ટેપ વગાડવા બાબતે લાલાજીભાઇને અપશબ્દો બોલવા લાગતા લાલાજીભાઇના પત્નીએ અપશબ્દો બોલવાની ના પાડતા તેમને મુંઢ માર માર્યો હતો. તેમજ લાલાજીભાઇ અને તેમના ફઈ પર પણ લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો.
જેથી દેકારો થતાં તમામ શખ્સો નાસી છુટયા હતા. જ્યારે લાલાજીભાઇને ઇજા પહોંચતા સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલ લઇ જવાયા હતા. આ મામલે જોરાવરનગર પોલીસે પાંચ શખ્સો સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.