વીજ ટ્રાન્સફોર્મરમાંથી કોપર વાયર ચોરી કરતી ગેંગના પાંચ શખ્સો ઝડપાયા
- ૧૦.૧૩ લાખનો મુદ્દામાલ કબજે કર્યો
- સુરેન્દ્રનગર, રાજકોટ અને અમદાવાદ જિલ્લાના ૬ ગુનાના ભેદ ઉકેલાયા, ૭ શખ્સોની શોધખોળ હાથ ધરાઈ
સુરેન્દ્રનગર : મોરબી એલસીબી ટીમ દ્વારા વીજ ટ્રાન્સફોર્મરને નીચે પાડી તેમાંથી કોપરના વાયરની ચોરી કરતી આંતરરાજ્ય ગુર્જર ગેંગના પાંચ શખ્સોને ઝડપી પાડી સુરેન્દ્રનગર જિલ્લા સહિત સૌરાષ્ટ્રના કુલ ૬ જેટલા કોપર વાયર ચોરી અને લુંટનો ભેદ ઉકેલ્યો હતો.
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પોલીસ સ્ટેશન વિસ્તાર તેમજ રાજકોટ-અમદાવાદ હાઈવે પર ચાણપા ગામના પાટિયા પાસે આવેલા પાણી પુરવઠા બોર્ડના પમ્પિંગ સ્ટેશન સહિત લખતર, મુળી અને પાણશીણા પોલીસ મથકની હદમાં આવેલી કંપનીઓમાં તેમજ વીજતંત્રના ગોડાઉનમાંથી વીજ ટ્રાન્સફોર્મર તોડી તેમાંથી કોપર અને એલ્યુમીનીયમના વાયરની ચોરીના બનાવો નોંધાયા હતા.
જેને ધ્યાને લઈ મોરબી પીઆઈ અને તેમની ટીમ દ્વારા હાઈવે પરના સીસીટીવી ફૂટેજ તેમજ ટેકનીકલ સોર્સની મદદથી તપાસ હાથ ધરતાં આ ગુનાને અંજામ આપનાર શખ્સો લીંબડી-અમદાવાદ હાઈવે પર આવેલી રામભરોસે હોટલની બાજુમાં ભંગારનો ડેલો ધરાવતા હોવાની બાતમી મળી હતી.
જેના આધારે તપાસ કરતા કોપર વાયરની ચોરી કરનાર ત્રણ શખ્સો અને ચોરીનો મુદ્દામાલ રાખનાર બે શખ્સો સહિત કુલ પાંચ શખ્સોને ઝડપી લીધા હતા. જેમાં ચુનીલાલ ભુરૂલાલ ગુર્જર , પ્રભુલાલ ઈશ્વરલાલ ગુર્જર (બન્ને રહે. લીંબડી હાઈવે, ભંગારનો ડેલો), દિપકભાઈ રેખારામ ગુર્જર (રહે. શામળાજી, વાંકાનેર), રતનલાલ સરવણલાલ ગુર્જર (રહે. લીંબડી હાઈવે) અને લક્ષ્મણલાલ મેઘરાજ કુમાવત ( રહે. સનાથલ સર્કલ)નો સમાવેશ થાય છે.
તેમજ પાંચ શખ્સો પાસેથી કોપર વાયર અંદાજે ૫૦૭ કિલો કિંમત રૂા.૩.૨૯ લાખ, કાર, રોકડ રૂા.૧.૮૦ લાખ, માલવાહક નાનુવાહન, ૬ મોબાઈલ અને પાના પક્કડ સહિતના સાધનો મળી કુલ રૂા.૧૦.૧૩ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ઝડપાયેલાઓની પૂછપરછ દરમિયાન ચોટીલા, મુળી, પાણશીણા તેમજ લખતર અને અમદાવાદ ગ્રામ્યના બગોદરા પોલીસ મથકની હદમાં કોપર વાયરની ચોરીની કબુલાત કરી હતી. તેમજ આ ગુનામાં સંડોવાયેલા અન્ય ૭ શખ્સોના નામ ખુલતા કુલ ૧૨ શખ્સો સામે ગુનો નોંધીને શખ્સોને શોધવા તપાસ હાથ ધરી છે.