સુરેન્દ્રનગર શહેરમાં 24 કલાકમાં આગના પાંચ બનાવોથી દોડધામ

Updated: Nov 12th, 2023


Google NewsGoogle News
સુરેન્દ્રનગર શહેરમાં 24 કલાકમાં આગના પાંચ બનાવોથી દોડધામ 1 - image


- સદનસીબે જાનહાનિ ન થતા હાશકારો

- જોરાવરનગર, કુંભારપરા અને અલંકાર રોડ સહીતના વિસ્તારમાં આગના બનાવથી ફાયરની ટીમ સતત દોડતી રહી

સુરેન્દ્રનગર : દિવાળીના પર્વ પર અનેક જગ્યાએ આગના બનાવો બનતા હોય છે ત્યારે સુરેન્દ્રનગર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ૨૪ કલાકમાં પાંચ જગ્યાએ આગના બનાવો બન્યા હતાં જેને લઇને ફાયર વિભાગની ટીમ સતત દોડતી જોવા મળી હતી જો કે સદનસીબે આગના બનાવમાં કોઇ જાનહાની થઇ ન હતી.

દિવાળી પર્વ પર ફટાકડાના કારણે અનેક વિસ્તારમાં અવારનવાર આગના બનાવો બનતા હોવાની ઘટનાઓ બને છે ત્યારે સુરેન્દ્રનગર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ૨૪ કલાકમાં આગનાં પાંચ બનાવ બન્યા હતાં. આ અંગે મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર અલંકાર રોડ પર આવેલ આંગણવાડી કેન્દ્રમાં આગ લાગી હતી જો કે રજાના માહોલના કારણે આંગણવાડી બંધ હોય તેમજ આગ સામાન્ય હોવાથી ફાયરની ટીમે તાત્કાલિક આગ પર કાબુ મેળવ્યો હતો. 

જ્યારે બીજા બનાવમાં વઢવાણ તાલુકાના ફુલગ્રામ ગામમાં ઘરમાં ભરવામાં આવેલ કડબમાં આગ લાગતા સુરેન્દ્રનગર ફાયરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યાં હતાં. જ્યારે ત્રીજા બનાવમાં સુરેન્દ્રનગર કુંભારપરા વિસ્તારમાં આવેલ શેરી નંબર પાંચમાં આવેલ રહેણાંક મકાનમાં આગ લાગી હતી.

 આગ અંગે સ્થાનિકોએ ફાયરની ટીમને જાણ કરતા ફાયરની ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને અંદાજે એક કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. જ્યારે ટી.બી.હોસ્પિટલ પાછળના વિસ્તારમાં ખુલ્લામાં પાર્ક કરેલ કાર પાસે ફટાકડા ફોડવામાં આવતા ફટાકડાના તીખારાના કારણે ઇનોવા કારમાં આગ લાગતા કાર  ભડભડ સળગી ઉઠી હતી. 

કારમાં આગ લાગતા આસપાસનાં વિસ્તારમાં રહેતા લોકોમાંપણ નાસભાગ મચી ગઇ હતી અને ફાયરની ટીમને જાણ કરતા સુરેન્દ્રનગર પાલિકાની ફાયરની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ બુઝાવવાના પ્રયાસો હાથ ધર્યાં હતાં. જો કે આગના કારણે કાર સંપૂર્ણ બળીને ખાખ થઇ ગઇ હતી. જ્યારે જોરાવરનગર વિસ્તારમાં આવેલ સાબુના કારખાનામાં બોઇલર માટેના લાકડામાં ફટાકડાના તણખા પડતા આગ લાગી હતી. સાબુના કારખાનામાં આગ વધુ પ્રસરે તે પહેલા ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને આગ પર કાબુ મેળવી લીધો હતો. 

સુરેન્દ્રનગર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ૨૪ કલાકમાં આગના અલગ અલગ પાંચ બનાવોને લઇને ફાયરની ટીમ સતત દોડતી જોવા મળી હતી જો કે આગના બનાવમાં કોઇ પણ જગ્યાએ કોઇ જાનહાની થઇ ન હતી પરંતુ માલસામાનનું નુકસાન થયું હતું.


Google NewsGoogle News