ટ્રક સાથે કાર અથડાતા એક જ પરિવારના ચાર સહિત પાંચનાં મોત

Updated: Oct 10th, 2023


Google NewsGoogle News
ટ્રક સાથે કાર અથડાતા એક જ પરિવારના ચાર સહિત પાંચનાં મોત 1 - image


- લખતરના ઝામર ગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાતા હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો 

- લખતરના લરખડિયા ગામના દંપતી અને તેની બે પુત્રી માતાજીની માનતા પુરી કરવા જતી વખતે અકસ્માત નડયો :  બે વ્યકિત ઇજાગ્રસ્ત : કારમાં ફસાયેલા મૃતકો અને ઈજાગ્રસ્તોને મહામહેનતે બહાર કઢાયાં 

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ઝમર ગામના પાટિયા પાસે આઈશર (ટ્રક) અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં પાંચ વ્યકિતનાં મોત નિપજ્યા છે. મૃતકો પૈકી ચાર એક જ પરિવારના હોવાનું સામે આવ્યું છે. કારમાં ફસાયેલા મૃતકો અને ઇજાગ્રસ્તોને ભારે જહેમત બાદ બહાર કાઢવમાં આવ્યા છે. 

 લખતર તાલુકાના લરખડિયા ગામે રહેતા નરસિંહભાઈ ગોગજીભાઈ લોલાડિયા અને તેમનો પરિવાર કારમાં મુળી તાલુકાના પલાસા ગામે માતાજીની માનતા પુરી કરવા જઈ રહ્યો હતો. જે દરમિયાન લખતર તરફ પુરપાટ ઝડપે આવી રહેલા આઈશર સાથે કાર ઝમર ગામના પાટીયા પાસે ધડાકાભેર અથડાઈ હતી.  અકસ્માત બાદ પલટી ખાઈ રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી. જેમાં કારમાં સવાર બે મહિલા અને એક પુરૂષ મળી ત્રણ વ્યક્તિના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતાં.

 તેમજ અન્ય ચાર વ્યક્તિઓને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પીટલે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યારે અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ બોલી ગયો હતો અને આ બનાવની જાણ થતાં જ આસપાસના વાહનચાલકો સહીત રાહદારીઓ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતાં અને કારમાંથી ફસાયેલા મૃતકો સહિત ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પીટલે ખસેડવામાં આવ્યાં હતાં. 

ત્રણ વ્યક્તિના ઘટનાસ્થળે મોત બાદ સારવાર અર્થે ખસેડાયેલી અંદાજે ૧૬ વર્ષની કિશોરી તેમજ એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજતાં કુલ મૃત્યુ આંક પાંચ થયો હતો. જ્યારે ઈજાગ્રસ્ત બે વ્યક્તિ હાલ સારવાર હેઠળ છે. 

ઘટનાની જાણ થતાં ડીવાયએસપી સહિત લખતર પીએસઆઈ અને પોલીસ કાફલો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને અકસ્માતના કારણે થયેલા ટ્રાફીકજામને હળવો કરી વાહનવ્યવહાર ફરી શરૂ કરાવ્યો હતો. પ્રાથમિક તપાસમાં પાંચ મૃતકો પૈકી ચાર વ્યક્તિઓ એક જ પરિવારના હોવાનું જાણવા મળ્યું હતું.  કારચાલક સહિત પાંચ વ્યક્તિઓને કાળ ભરખી જતા પરિવારજનો પર આભ તુટી પડયું હતું અને સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ છે.

અકસ્માતમાં મૃતકો નામ 

૧-નરસિંહભાઈ ગોગજીભાઈ લોલાડીયા, ઉ.વર્ષ.૫૦ રહે. લરખડીયા (પતિ)

૨-ગીતાબેન નરસિંહભાઈ લોલાડીયા, ઉ.વર્ષ.૫૦  રહે. લરખડીયા  (પત્ની)

૩-પાયલબેન નરસિંહભાઈ લોલાડીયા, ઉ.વર્ષ.૧૬ રહે.લરખડીયા (પુત્રી)

૪-ગોપીબેન નરસિંહભાઈ લોલાડીયા, ઉ.વર્ષ.૧૦ રહે. લરખડીયા  (બાળકી)

૫-મૌલીકભાઈ ઉર્ફ (બાબુ) જગદીશભાઈ ઉલવા,  ઉ.વર્ષ ૨૩, રહે. સદાદ (ડ્રાઈવર)

અકસ્માતમાં ઈજાગ્રસ્તોના નામ 

૧-શ્રધ્ધાબેન નરસિંહભાઈ લોલાડીયા, ઉ.વર્ષ.૧૪ રહે.લરખડીયા (પુત્રી)

૨-મહેન્દ્રભાઈ નરસિંહભાઈ લોલાડીયા, ઉ.વર્ષ.૧૨ રહે.લરખડીયા (પુત્ર)

ટ્રકની અડફેટે કારનો કચ્ચરઘાણ નિકળી ગયો

લખતરના ઝમર ગામ પાસે વહેલી સવારે આઈશર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતઅત્યંત ગમખ્વાર હતો કે આઈશર સાથે કાર અણડાતા કારનો કચ્ચરઘાણ થઈ ગયો હતો. તેમજ મૃતકો પણ કારની અંદર ફસાઈ જતા આપસાસના લોકોએ બહાર કાઢયા હતા.


Google NewsGoogle News