લખતરના ઘણાદ ગામે નજીવી બાબતે ફાયરિંગ : એક ઘાયલ
- તારા ભાઈનો ખોટો નંબર આપવા મુદ્દે વાત વણસી
- કેનાલ પર બોલાવી બોલાચાલી કરી શખ્સને જાતિ અપમાનિત કર્યો : બે સામે ગુનો
સુરેન્દ્રનગર : લખતર તાલુકાના ઘણાદ ગામની સીમમાં નજીવી બાબતે બોલાચાલી બાદ ફાયરીંગનો બનાવ બન્યો છે. કેનાલ પર બે શખ્સોએ ફરિયાદને મળવા બોલાવી જાતિ અપમાનીત કરી મંચા જેવા હથિયારમાંથી ફાયરીંગ કરી ઈજાઓ પહોંચાડી હતી. આ અંગે ભોગ બનનારે લખતર પોલીસ મથકે જાનથી મારી નાંખવાની અને જાતિ અપમાનીત કર્યાની બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસે એટ્રોસીટી એક્ટ મુજબ ગુનોે નોંધી કાર્યવાહી હાથધરી છે.
લખતર તાલુકામાં આવેલા ઘણાદ ગામની સીમમાં રહેતા ફરિયાદી ચુકલાભાઈ ઉર્ફે ચકાભાઈ થાવરીયાભાઈ નાયકા અનુ.જાતિવાળાના ભાઈ રતીલાલ પર મહાવિરસિંહ પ્રદયુમનસિંહ ઝાલાએ ફોન કર્યો હતો. પરંતુ રતિલાલનો મોબાઈલ ફરિયાદી પાસે હોવાથી ફરિયાદીએ રતિલાલ જીગાની સાથે હોવાનું જણાવી મહાવિરસિંહને જીગાનો નંબર આપ્યો હતો પરંતુ જીગાનો નંબર નહિં લાગતા મહાવિરસિંહે ફરિયાદી ચકાભાઈને ફોન કરી ખોટો નંબર આપ્યો હોવાનું જણાવી કેનાલ પર બોલાવ્યો હતો.
આથી ફરિયાદી ચકાભાઈ અને અન્ય શખ્સ વિઠ્ઠલ ગમલાભાઈ બન્ને કેનાલ પર આવ્યા હતા. જ્યાં મહાવિરસિંહ પ્રદયુમનસિંહ ઝાલા અને રસીકભાઈ ઉર્ફે ચકાભાઈ રધુભાઈ (બંને રહે. ધણાદ, તા.લખતર)એ ફરિયાદી ચકાભાઈ સાથે બોલાચાલી કરી હતી અને જાતિ અપમાનીત કરી એકસંપ થઈ ગાળો આપી હતી. મહાવિરસિંહે મારી નાંખવાના ઈરાદે પોતાની પાસે રહેલા તમંચા જેવા હથિયારમાંથી ફાયરીંગ કરતા ફરિયાદી ચકાભાઈને પીઠાના ભાગે ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પીટલે લઈ જવામાં આવ્યા હતા. આ અંગે ભોગ બનનાર ચકાભાઈએ લખતર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસીટી એક્ટ મુજબ ગુનો નોંધી તપાસ હાથધરી છે.