સુરેન્દ્રનગર અને વઢવાણની હાઈરાઇઝ બિલ્ડિંગોમાં ફાયર સેફ્ટી સિસ્ટમ નંખાશે
- બિલ્ડર એસોસિએશન દ્વારા આયોજન કરાયું
- નગરપાલિકાના અધિકારીઓની ઉપસ્થિતિમાં ફાયર સેફટી સેમિનાર યોજાયો : ફાયર સેફટીના ફાયદા સમજાવાયા
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર-વઢવાણ બિલ્ડર એસોસિએશન દ્વારા તાજેતરમાં નગરપાલિકાના અધિકારીઓ-પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ફાયર સેફ્ટી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ચર્ચા-વિચારણાના અંતે શહેરની દરેક હાઈરાઇઝ બિલ્ડિંગોમાં ફાયર સેફટી સિસ્ટમ નાંખવા નિર્ણય લેવાયો હતો.
સેમિનારમાં ઉપસ્થિત બિલ્ડરોને અધિકારીઓ દ્વારા જણાવાયું હતું કે, સરકારના નિયમ મુજબ નવ મીટરથી વધુ હાઇટ ધરાવતા બિલ્ડિંગોમાં તેમજ મેરેજહોલ, મોલ, સ્કૂલ જેવા જાહેર સ્થળો ઉપર ફાયર સેફટી સિસ્ટમ મૂકવી ફરજિયાત છે. અધિકારીઓ દ્વારા ફાયર સેફટી સિસ્ટમ અંગેના નિયમો ઉપરાંત જરૂરિયાત અને ફાયદા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
બિલ્ડરો દ્વારા ફાયર સેફટી સિસ્ટમની આવશ્યકતા સમજીને શહેરની નવી-જુની દરેક હાઈરાઈઝ બિલ્ડીંગમાં ફાયર સેફટી સિસ્ટમ મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
જૂની બિલ્ડિંગોમાં ઓછી તોડફોડ થાય અને વાજબી ખર્ચ થાય તેનું ધ્યાન રાખીને ફાયર સેફટી સિસ્ટમ મૂકવામાં આવશે તેમ નક્કી કરાયું હતું.
આ સેમિનારમાં જાણીતા બિલ્ડરો, ઉદ્યોગપતિઓ અને સિવિલ એન્જિનિયર એસો.ના પ્રમુખ સભ્યો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.