પાંજવાળીમાં હોળી પ્રગટાવવા બાબતે કૌટુંબિક ભાઈઓ વચ્ચે મારામારી
- ઘાતક હથિયારો વડે હુમલો કર્યો
- બંને પક્ષોની ફરિયાદના આધારે 10 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ
સુરેન્દ્રનગર : ચોટીલા તાલુકાના પાંજવાળી ગામે હોળી પ્રગટાવવા બાબતે થયેલી બોલાચાલી બાદ હિંસક હથિયારો વડે મારામારીનો બનાવ બનતા ચોટીલા પોલીસ મથકે સામસામે ૧૦ શખ્સો સામે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.
પાંજવાળી ગામે રહેતા ફરિયાદી વાલજીભાઈ જેરામભાઈ સુરેલા રાત્રીના સમયે પરિવાર સાથે વાડીમાં આવેલા ઘર બહાર બેઠા હતા. તે સમયે બાજુમાં રહેતા કૌટુંબિક ભાઈના દીકરા ગોપાલભાઈ સુરેલા અને અલ્પેશભાઈ, પ્રદિપભાઈ, અનીલભાઈ સહિતનાઓએ આવી હોળીના દિવસે બોલાચાલી અને ઝઘડો કર્યા બાબતની દાઝ રાખી ફરિયાદી તેમજ પરિવારના સભ્યોને અપશબ્દો કહ્યા હતા.
તેમજ લાડકાનો ધોકો, લોખંડની પાઈપ, લાકડી વડે ઘા ઝીંકી ફરિયાદી, તેમના પત્ની અને દીકરાઓને ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેમાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ચોટીલા હોસ્પિટલ ખસેડાયા હતા. જે પૈકી ફરિયાદી તેમજ પત્ની ભાનુબેનને વધુ ઈજા હોવાથી સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલે ખસેડાયાં હતાં.
જે મામલે વાલજીભાઈએ ગોપાલભાઈ હેમુભાઈ સુરેલા, અલ્પેશભાઈ ભરતભાઈ સુરેલા, પ્રદિપભાઈ અણદાભાઈ સુરેલા, અનિલભાઈ અણદાભાઈ સુરેલા (તમામ રહે.પાંજવાળી) તેમજ અન્ય બે અજાણ્યા શખ્સો સામે ચોટીલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
જ્યારે સામાપક્ષે અનીલભાઈ અણદાભાઈ સુરેલાએ વાલજીભાઈ જેરામભાઈ સુરેલા, શાંતીભાઈ વાલજીભાઈ સુરેલા, શિવરાજભાઈ વાલજીભાઈ સુરેલા અને કેતનભાઈ વાલજીભાઈ સુરેલા (તમામ રહે.પાંજવાળી) સામે લાકડી તથા પાઈપ વડે માર માર્યાની તેમજ જાનથી મારી નાંખવાની ધમકી અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.