વઢવાણના ટુંવા ગામની સીમમાં ખેતરમાં નુકશાન બાબતે મારમારી
- ત્રણ વ્યક્તિ સામે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી
- કૌટુંમ્બીક ભાઈઓએ ખેતરમાં નુકશાન પહોંચાડી તીક્ષણ હથિયારો વડે માર માર્યાની ફરિયાદ
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જીલ્લામાં નજીવી બાબતે મારામારીના બનાવો વધી રહ્યાં છે ત્યારે વઢવાણ તાલુકાના ટુવા ગામની સીમમાં એક જ શેઢે આવેલ વાડીમાં નુકશાન બાબતે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા તીક્ષણ હથિયારો વડે મારામારીનો બનાવ બન્યો હતો જે અંગે જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.
આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ વઢવાણના ગુંદીયાળા ગામે રહેતા ફરિયાદી જશુભાઈ ઉર્ફે મુન્નો ભવાનસંગ પઢીયારની સંયુક્ત માલીકીની વાડી ટુવા ગામ તરફ જવાના રસ્તે આવેલ છે. જ્યાં તેમના મોટાભાઈ ઘનશ્યામસિંહ, પિતા ભવાનસંગભાઈ, મોટાભાઈના દિકરા મહાવિરસિંહ તેમજ ગામના જીકુબેન, સજ્જનબેન સહિતનાઓ તલ વાઢવાની કામગીરી કરી રહ્યાં હતાં. વાડીમાં ટપક પધ્ધતી હોય તેના એરવાલ્વને અવાર-નવાર શેઢે આવેલ વાડીના માલીક તેમજ કૌટુંમ્બીક ભાઈઓ દ્વારા નુકશાન પહોંચાડી એરવાલ્વના ભુંગળા પાડી દેતા હતા આથી ફરિયાદીના મોટાભાઈએ નુકશાન કરતા હોવાનું જણાવતા કૌટુંમ્બીક ભાઈઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળો બોલવા લાગ્યા હતા. આથી ફરિયાદીના ભાઈએ ગાળો બોલવાની ના પાડતા ત્રણેય કૌટુંમ્બીક ભાઈઓએ એકસંપ થઈ લોખંડના ધારીયા, સોરીયું સહિતના હથિયારો વડે ફરિયાદીના ભાઈ સહિત પિતાને ઘા ઝીંકી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જે મામલે જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદીએ કૌટુંમ્બીક ભાઈઓ (૧) ગંભીરભાઈ ભીખુભાઈ પઢીયાર (૨) ઉમેદસંગભાઈ ભીખુભાઈ પઢીયાર અને (૩) દિલીપભાઈ ભીખુભાઈ પઢીયાર ત્રણેય રહે.ગુંદીયાળા તા.વઢવાણવાળા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.