મુળીના વડધ્રા ચોકડી પાસે અદાવતમાં બે જુથ વચ્ચે મારમારી
- બંને પક્ષોએ સામસામી ફરિયાદ નોંધાવી
- ધારિયા, લાકડી સહિત વડે હુમલામાં પાંચ વ્યકિતને ઇજા થતાં સારવાર માટે ખસેડાયા
સુરેન્દ્રનગર : મુળીની વડધ્રા ચોકડી પાસે અગાઉના ઝઘડાના મનદુઃખ બાબતે બે જુથો વચ્ચે મારામારીમાં બંને જુથના પાંચ વ્યક્તિને ઇજા થઇ હતી જ્યારે બંને જુથે સામસામે કુલ ૧૨ શખ્સો સામે ફરિયાદ નોંધાતા મુળી પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
મુળીના રાયસંગપર ગામની સીમમાં રહેતા નાનુભાઇ ગાંડાભાઇ જખાણીયા અને તેમના ત્રણ દિકરા વડધ્રા ચોકડી પાસે વાતો કરતા હતા તે દરમિયાન અર્જુનભાઇ ભગાભાઇ જખાણીયા, દીનુભાઇ ભગાભાઇ જખાણીયા, મુકેશભાઇ ભગાભાઇ દેવીપુજક, સુરેશભાઈ ભગાભાઇ દેવીપુજક, હરેશભાઇ ભગાભાઇ દેવીપુજક અને ચંદાભાઇ ભગાભાઇ દેવીપુજક સહીતનાઓ ધારિયુ, લાકડી સહીતના હથિયારો વડે હુમલો કરી ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
જેમાં નાનુભાઇ જખાણીયા તેમજ તેમના દિકરા રેવાભાઇને ઇજા થતા સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યાં હતાં. જ્યારે સામા પક્ષે અર્જુનભાઇ જશાભાઇ જખાણીયાએ મુળી પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે અર્જુનભાઇ તેમજ તેમના ત્રણ ભાઇઓ સાથે વડધ્રા ચોકડી પાસે બેઠા હતા તે દરમિયાન રેવાભાઇ નાનુભાઇ જખાણીયા, કરશનભાઇ નાનુભાઇ જખાણીયા, મનસુખભાઇ નાનુભાઇ જખાણીયા, ગગજીભાઇ નાનુભાઇ જખાણીયા, રાજુભાઇ ધીરુભાઇ દેવીપુજક અને નાનુભાઇ ગાંડાભાઇ જખાણીયાઓએ લોખંડના ધારીયા, લાકડી સહીતના હથિયારો વડે હુમલો કરી અર્જુનભાઇ તેમજ તેમના ભાઇ સુરેશભાઈ તેમજ હરેશભાઇને ઇજા થતા સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતાં.
મારામારીમાં બંને જુથના કુલ પાંચ વ્યક્તિઓને ઇજાઓ પહોંચી હતી અને બન્ને પક્ષના લોકોએ સામસામે ફરીયાદ નોંધાવતા કુલ ૧૨ શખ્સો સામે ફરિયાદ નોંધાવતા મુળી પોલીસે બંને પક્ષના લોકોની ફરિયાદ નોંધી વધુ તપાસની કામગીરી હાથ ધરી હતી.