સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીએ બજાર વિસ્તારના લારીધારકોની ઉગ્ર રજૂઆત
- વૈકલ્પિક જગ્યાઓ પર ખસેડાતા રોષ
- નવી જગ્યાએ ઘરાકી ના રહેતા જૂની જગ્યાએ જ ધંધો કરવાની છુટ આપવા માંગ
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકા દ્વારા શહેરના બજાર વિસ્તારોમાં ઉભા રહેતા લારીધારકોને નક્કી કરેલા અલગ-અલગ વૈકલ્પિક જગ્યાઓ પર ખસેડવામાં આવ્યા બાદ પણ લારીધારકોમાં અસંતોષ જણાઈ આવતાં રોષે ભરાયેલા લારીધારકોએ જિલ્લા કલેકટર કચેરી ખાતે એકત્ર થઈ ઉગ્ર રજૂઆતો કરી હતી. તેમજ અગાઉની જૂની જગ્યા પર જ ધંધો કરવાની છુટ આપવામાં આવે તેવી માંગ કરી હતી.
સુરેન્દ્રનગર શહેરની બજારોમાં વકરી રહેલી ટ્રાફિકજામની સમસ્યાને ધ્યાને લઈ સામાજિક સંસ્થાઓ, વેપારીઓ સહિતનાઓ દ્વારા પાલિકા તંત્ર સહિત વહિવટી તંત્રને રજૂઆતો કરી હતી. જેના ભાગરૂપે સર્વાનુમત્તે બજાર વિસ્તારમાં ઉભા રહેતા લારીધારકો અને છુટક ધંધાર્થીઓ માટે પાલિકા તંત્ર દ્વારા ટાગોર બાગ તળાવ પાસે, શ્રવણ ટોકીઝ રોડ અને મોચી બજાર વિસ્તારમાં વૈકલ્પિક જગ્યા ફાળવવાનો નિર્ણય લેવાયો હતો.
જેના ભાગરૂપે છેલ્લા ત્રણ દિવસથી પાલિકા તંત્ર દ્વારા પોલીસને સાથે રાખી લારીધારકો સહિત વેપારીઓ દ્વારા કરેલા નડતરરૂપ દબાણો દુર કરવામાં આવ્યાં હતાં અને ફાળવેલી જગ્યાઓ પર લારીધારકોને ખસેડવામાં આવ્યાં હતાં પરંતુ નવી જગ્યાઓ ફાળવ્યા બાદ લારીધારકોમાં પાલિકા તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો.
જુની જગ્યાએ જ ધંધો કરવાની છુટ આપવાની માંગ સાથે મોટીસંખ્યામાં લારીધારકો કલેકટર કચેરી ખાતે એકત્ર થયા હતા અને જિલ્લા કલેકટરને રજુઆત કરી હતી. જેમાં લારીધારકોના જણાવ્યા મુજબ પાલિકા તંત્ર દ્વારા ફાળવવામાં આવેલી જગ્યાઓ પર પુરતી સુવિધા ન હોવાનું તેમજ ફાળવેલી જગ્યા કરતા લારીધારકો અને છુટક ધંધાર્થીઓની સંખ્યા વધુ હોવાથી નવી જગ્યા પર અંદરો અંદર બોલાચાલી તેમજ ધર્ષણ થતું હોવાની રજૂઆતો કરવામાં આવી હતી.તેમજ બજાર કરતાં નવી જગ્યાઓ પર ધરાકી ન રહેતા પરિવારનું ગુજરાન ચલાવવામાં પણ હાલાકી પડશે તેમ જણાવ્યું હતું અને બજાર વિસ્તારમાં જ જુની જગ્યાએ લારી ઉભી રાખી ધંધો કરવાની છુટ આપવામાં આવે તેવી માંગ કરી હતી.