ઝાલાવાડ પંથકમાં મહાશિવરાત્રી પર્વની શ્રદ્ધાભેર ઉજવણી, શિવાલયો ભક્તોથી ઉભરાયા
- હર હર મહાદેવ, જય ભોલેનાથના નાદથી શિવાલયો ગૂંજ્યા
- ધોળીધજા ડેમ ખાતે બિરાજમાન ધોળેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં મેળો ભરાયો
સુરેન્દ્રનગર : સમગ્ર રાજ્યમાં ભગવાન ભોળાનાથનો તહેવાર એટલે કે મહાશિવરાત્રીની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. સવારથી જ જીલ્લાના તમામ શિવાલયોમાં ભક્તોની ભીડ જોવા મળી હતી. મહાઆરતી, પુજા, લધુરૂદ્ર યજ્ઞા સહિતના કાર્યક્રમો યોજાયા હતાં અને ભક્તોએ ભાંગનો પ્રસાદ પણ લીધો હતો. શહેરના ધોળીધજા ડેમ ખાતે બિરાજમાન ધોળેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં મેળો ભરાયો હતો.
જેમાં સવારથી જ મોટીસંખ્યામાં બાળકો, યુવાનોથી લઈ મોટેરાઓ ઉમટી પડયા હતા અને ભગવાન ભોળાનાથની ભક્તિસાથે મેળાની મજા માણી હતી જ્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ વ્યવસ્થા જળવાય રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ધોળીધજા ડેમ ખાતે રાખવામાં આવ્યો હતો. આ ઉપરાંત દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ સમસ્ત સતવારા સમાજ દ્વારા સીધ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી જે સીધ્ધનાથ મંદિરેથી રામ સોસાયટી, ૮૦ ફુટ રોડ, રતનપર, ટાવર રોડ થઈ ટી.બી.હોસ્પીટલ પાસે આવેલ સીધ્ધનાથ મંદિર ખાતે સંપન્ન થઈ હતી જેમાં મોટીસંખ્યામાં સતવારા સમાજના ભાઈઓ બહેનો સહિતનાઓ જોડાયા હતા અને સમગ્ર માહોલ ભક્તિમય બન્યો હતો.
જયારે શહેરી વિસ્તારમાં આવેલ અણઘટનાથ મહાદેવ, હાટકેશ્વર મહાદેવ, કામનાથ, કોઠારીયા રોડ પર આવે સ્ફટીક મહાદેવ, ચોટીલાના ઝરીયા મહાદેવ, ગીરીરાજ, અર્ધનારેશ્વર, અવધેશ્વર, નિલકંઠ, રામેશ્વર સહીતના મહાદેવના મંદિરો ખાતે વહેલી સવારથી ભક્તોની ભીડ જોવા મળી હતી. ભક્તોએ મોટી સંખ્યામાં દુધ, જળ, બીલીપત્ર અને વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાન શિવનો અભિષેક કરી ધન્યતા અનુભવી હતી. શિવભક્તોએ ભાંગનો પ્રસાદ લઈ તેમજ ઉપવાસ કરી ભોળાનાથની ભક્તિમાં લીન બન્યા હતા. ભક્તિનંદન સર્કલ, ૮૦ ફુટ રોડ ખાતે આવેલ અવધેશ્વર મહાદેવના મંદિરે પણ મોટી સંખ્યામાં સવારથી જ ભક્તો ઉમટી પડયા હતા. અને મહાશિવરાત્રિ નિમિત્તે મંદિરમાં પૂજા, અભિષેક, ભાંગનો પ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા હતા અને સમગ્ર માહોલ હર...હર...મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠયો હતો.