ઝાલાવાડમાં ખેતરમાંથી પાણી ના ઓસરતા નુક્સાનનો ભય

Updated: Nov 27th, 2023


Google NewsGoogle News
ઝાલાવાડમાં ખેતરમાંથી પાણી ના ઓસરતા નુક્સાનનો ભય 1 - image


- કમૌસમી વરસાદ બંધ થવા છતાં

- પાકોના નુક્સાનીનો સર્વે કરીને વળતર ચૂકવવા ખેડૂતોની માંગ

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા બે દિવસથી કમૌસમી વરસાદને પગલે ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોની હાલત કફોડી બની છે. વરસાદ બંધ થયાને ૧૨ કલાક જેટલો સમય વિતિ ગયો હોવા છતાં ખેતરોમાં પાણી ભરાઈ રહેતા રવિપાકને નુક્સાન જવાની ભીતી સેવાઈ રહી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં ભરશિયાળે અષાઢી માહોલ સર્જાતા ખેડુતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. જિલ્લાના વઢવાણ, ધ્રાંગધ્રા, લખતર, લીંબડી સહિતના તમામ તાલુકાઓમાં કમૌસમી વરસાદને કારણે ખેતરોમાં પાણી ફરી વળતાં રવિ સીઝનમાં વરીયાળી, જીરૂ, ધઉં, ચણા સહિતના પાકોને નુકશાન જવાની શક્યતાઓ સેવાઈ રહી છે.

 કમૌસમી વરસાદ બંધ થયાને ૧૨ કલાકથી પણ વધુ સમય વિતી ગયો હોવા છતાં અનેક ખેતરોમાં પાણી ભરાયેલા છે. ગત સીઝનમાં વરીયાળીના ભાવો સારા મળતા ખેડુતોએ મોટાપાયે વરીયાળી સહિતના પાકોનું વાવેતર કર્યું હતું પરંતુ કમૌસમી વરસાદે ખેડુતોની હાલત કફોડી બનાવી દીધી છે. 

તેવામાં હજુ પણ હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં જિલ્લામાં કમૌસમી વરસાદની આગાહી કરી છે, ત્યારે જો હવે કમૌસમી વરસાદ પડે તો ખેડુતોને વધુ માર પડી શકે તેમ છે. ત્યારે સરકાર દ્વારા તાત્કાલીક કમૌસમી વરસાદથી થયેલી નુકશાની અંગે સર્વે કરી ખેડૂતોને વળતર ચુકવવામાં આવે તેવી માંગ ઉઠી છે.



Google NewsGoogle News