પાટડી પોલીસ લાઈનમાં સોસ કુવા ઉભરાતા રોગચાળાનો ભય

Updated: Oct 24th, 2023


Google NewsGoogle News
પાટડી પોલીસ લાઈનમાં સોસ કુવા ઉભરાતા રોગચાળાનો ભય 1 - image


- ભૂગર્ભ ગટરના અભાવની સમસ્યા

- દૂષિત પાણીનો ભરાવો થતા રોષ : સત્વરે સમસ્યાના કાયમી ઉકેલની માંગ ઉઠી 

સુરેન્દ્રનગર : દસાડાના પાટડી ખાતે સરકાર દ્વારા પોલીસ પરિવારો માટે સરકારી આવાસ ફાળવવામાં આવ્યાં છે પરંતુ આ આવાસોમાં ભુગર્ભ ગટરનો અભાવ હોવાથી સ્થાનીક રહિશોને હાલાકી પડતી હોવાની ફરિયાદો ઉઠી છે. ત્યારે તાજેતરમાં દુષીત પાણી ભરાઈ જતા રોગચાળો ફેલાવાની દહેશત ઉભી થઈ છે.

આ અંગે સ્થાનીક રહીશોમાં ઉઠતી ફરિયાદો મુજબ પાટડી ખાતે આવેલા પોલીસ પરીવારના સરકારી આવાસ  બહાર દુર્ગંધ આવતી હોવાની ફરિયાદો ઉઠી છે. સોસ કુવા છલકાઈ જવાથી ઉભરાતા દુષિત પાણીની દુર્ગંધ હોવાનું લોકો પાસેથી જાણવા મળ્યું છે. પોલીસ આવાસમાં ભૂગર્ભ ગટર વ્યવસ્થાનો અભાવ હોવાથી દુર્ગંધ સાથે સાથે મુખ્ય દરવાજા પાસે દૂષિત પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે.

પોલીસ પરીવારના સભ્યોના આરોગ્ય પર જોખમ તોળાયું હોય તેવુ લાગી રહ્યુ છે, ત્યારે રોગચાળો ફેલાશે તો જવાબદાર કોણ ? સહિતના સવાલો ઉદ્ભવી રહ્યા છે. તેમજ સત્વરે સમસ્યાનો ઉકેલ લાવવા માંગ ઉઠી છે. 


Google NewsGoogle News