ઝાલાવાડમાં જીરાના પાકમાં સુકારાનો રોગ આવતા ખેડૂતો ચિંતિત
- જીરામાં નુકશાન જતાં આગામી સીઝન પર તેની અસર પડશે
- સુકારાના કારણે 40 % થી 50% ઉત્પાદન ઓછું થવાની શક્યતાઓ
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લો ખેતી આધારિત જીલ્લો છે અને જીલ્લાભરના ખેડૂતો ખેતી દ્વારા સમૃધ્ધ બન્યા છે તેમજ વર્ષોથી ખેતી પર નિર્ભર છે. તેમજ ખેડુતો સીઝન મુજબ અલગ-અલગ પાકોનું વાવેતર કરે છે ત્યારે ચાલુ વર્ષે કમોસમી વરસાદ તેમજ ઓછી ઠંડીના કારણે જીલ્લાભરના ખેડૂતોએ મહામહેનતે કરેલ જીરુના પાકમાં સુકારો રોગ આવી જતા ખેડૂતોના જીરાનો પાક નિષ્ફળ જતાં હાલત કફોડી બની છે અને સરકાર પાસે ખેડુતો વળતરની માંગ કરી રહ્યાં છે.
સુરેન્દ્રનગર જિલ્લો મુખ્યત્વે ખેતી પર આધાર રાખે છે અને જિલ્લાભરના ખેડૂતો સીઝન મુજબ પાકોનું વાવેતર કરે છે ત્યારે ચાલુ વર્ષે પણ જીલ્લાના ખેડૂતોએ અંદાજે ૭૦૦૦૦ હેકટર કરતા પણ વધુ જમીનમાં સારા પાકની આશાએ જીરુંનુ વાવેતર કર્યું હતુ.
ત્યારે જીલ્લાના વઢવાણ, ધ્રાંગધ્રા, મુળી, સાયલા સહિતના તાલુકાના ખેડુતોએ મહામહેનતે બિયારણ, ખાતર, દવાઓ પાછળ લાખોનો ખર્ચ કરી જીરાનું વાવેતર કર્યું છે. અન્ય પાકો કરતા જીરાના પાકમાં ભાવ ઉંચા મળતા ખેડુતો હવે રવિપાકમાં સૌથી વધુ જીરાના વાવેતર તરફ વળ્યા છે ચાલુ વર્ષે પણ અન્ય પાકો કરતા જીરાનું વાવેતર સૌથી વધુ કર્યું છે .
પરંતુ ચાલુ વર્ષે કમોસમી વરસાદ અને ઓછી ઠંડીના કારણે જીરાના પાકમાં સુકારો આવી જતા ખેડૂતોએ તનતોડ મેહનત કરી કરેલ જીરાના પાકને નુકશાની જતા અંદાજે ૪૦% થી ૫૦% જેટલા ઉત્પાદનમાં ઘટાડો થવાની શક્યતાઓ સેવાઈ રહી છે.
જ્યારે વઢવાણ તાલુકાના ખેડુતો ગોવિંદભાઈ પરમાર તેમજ રણજીતસિંહ ઝાલા સહિતનાઓના જણાવ્યા મુજબ ચાલુ વર્ષે ખેડુતોને જીરાના વાવેતર પર આશાઓ બંધાઈ હતી અને ગત વર્ષે ઉંચા ભાવ મળતાં ચાલુ વર્ષે પણ વધુ ભાવ મળવાની શક્યતાઓને ધ્યાને લઈ આગામી વાવેતરનું આયોજન કર્યું હતું પરંતુ અચાનક જીરામાં સુકારો આવી જતાં ખેડુતોને નુકશાની ભોગવવાનો વારો આવ્યો છે અને તેની અસર આગામી સીઝન પર પડશે તેમ લાગી રહ્યું છે.
જ્યારે ખેડુતો દ્વારા સુકારો આવી ગયા બાદ જીરાના પાકને બચાવવા હાલ દવાનો છંટકાવ કરવાની નોબત આવી છે આથી આ વધારાનો ખર્ચ પણ ખેડુતોને ભોગવવાનો વારો આવતાં બેવડો માર પડયો છે અને સામે ઉત્પાદન ખર્ચમાં વધારો થતાં એકંદરે નુકશાની ભોગવવી પડે છે. જીલ્લાના ખેડુતોએ એક વીધા જીરાના વાવેતર પાછળ અંદાજે રૂા.૧૦,૦૦૦નો ખર્ચ કર્યો હતો અને સારૂ વાવેતર બાદ ઉંચા ભાવ મળવાની આશાઓ લઈ બેઠા હતા.
પરંતુ જીરામાં સુકારો આવી જતા ઉત્પાદનમાં ઘટાડો થયો છે અને સામે ખેડુતોને નુકશાની પહોંચી છે આથી આ અંગે સરકાર દ્વારા તાત્કાલીક સર્વે હાથધરી જીરાના પ્રતિ મણ દીઠ અંદાજે રૂા.૧૦,૦૦૦ થી ૧૨,૦૦૦ સુધીના પોષણક્ષમ ભાવો ચુકવવામાં આવે તેવી ખેડુતો માંગી કરી રહ્યાં છે.