પાટડીની બેંકમાં પાક ધિરાણ બાબતે ખેડૂતોનો હોબાળો
- ધક્કા ખવડાવતા હોવાનો આક્ષેપ
- સમસ્યાનું નિરાકરણ લાવવાની બેંક ઓફ બરોડાના મેનેજરની ખાતરી
સુરેન્દ્રનગર : પાટડી ખાતે આવેલી બેંક ઓફ બરોડાના અધિકારીઓ દ્વારા ખેડૂતોને પાક ધિરાણ માટે ધક્કા ખવડાવતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો અને આ મામલે બેંક ખાતે હોબાળો કર્યો હતો.
પાટડીમાં આવેલી બેંક ઓફ બરોડા દ્વારા પાક ધિરાણ માટે ખેડૂતોને ધક્કા ખવડાવવામાં આવતા હોવાના આક્ષેપ ખેડૂતોએ કર્યા હતા. જ્યારે આ બાબતે બેંક મેનેજરે જણાવ્યું હતું કે, પાક ધિરાણનુ કાર્ય સંભાળતા કર્મચારી રજા પર હોવાથી પાક ધિરાણના કામમા સમસ્યા ઉભી થઇ હતી. હાલ અન્ય કર્મચારીને કામગીરી સોંપવામાં આવી છે અને સમસ્યાનુ નિરાકરણ લાવવામાં આવી રહ્યુ છે.
દસાડા તાલુકાના ઘાસપુર, નગવાડા સહિત ગ્રામ્યમાંથી આવતા ખેડૂતોને પાક ધિરાણ ન મળતા મુંઝવણમા મુકાયા હતા. આ ઉપરાંત તા.૨૬ના રોજ બેંક કર્મચારીએ ઘાસપુરના વખતસિંહ પરમારની પાવતી ફાડી ખેડૂત સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હોવાના પણ ખેડૂતોએ આક્ષેપ કર્યા હતા અને કલાકો સુધી ખેડૂતોએ બેંકમા રજૂઆત કરી હતી.
આ ઉપરાંત બેંક ઓફ બરોડા બહાર અડચણ રૂપ બાઈક પણ હાલાકી ઉભી કરી રહ્યા હોવાનું જણાવી હોમગાર્ડ, જીઆરડીના જવાનોના પોઈન્ટ મુકવામાં આવે તેવી માંગ કરી હતી.