ધ્રંગધ્રાના હરિપરમાં પાક નુકસાનીના ફોર્મ રદ થતાં ખેડૂતોનો હોબાળો
- નુકસાનીનો સર્વે યોગ્ય નહીં થયો હોવાનો ખેડૂતોનો આક્ષેપ
- વરસાદથી નુકસાન મુદ્દે ગામમાં માત્ર 20 જ ખેતરમાં ગ્રામ સેવકોએ સર્વે કર્યો હોવાનો ખેડૂતોનો આક્ષેપ
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં ચોમાસામાં અનિયમીત અને પાછોતરા વરસાદના કારણે પાકને થયેલા નુકસાનને લઇ સરકાર દ્વારા સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામસેવકો દ્વારા સચોટ રીતે સર્વે હાથ ધરવામાં ન આવતાં ખેડૂતોને હાલાકી પડી રહી છે. ત્યારે ધ્રાંગધ્રા તાલુકાના હરિપર ગામના ખેડૂતોએ પાક નુકસાનીના ફોર્મ રદ થતા ખેતીવાડી કચેરી ખાતે મોટી સંખ્યામાં એકત્ર થઈ હોબાળો મચાવ્યો હતો.
ધ્રાંગધ્રા તાલુકાના અનેક ગામોમાં ચોમાસામાં અતિવૃષ્ટિના કારણે કપાસ, મગફળી, એરંડા સહિતના પાકને નુકસાન પહોંચ્યું હતું. જે અંગે સરકારે સર્વે હાથ ધરી ખેડૂતોને થયેલ નુકસાન સામે સહાય પેકેજ જાહેર કર્યું છે. પરંતુ ધ્રાંગધ્રાના હરિપર ગામમાં ગ્રામ સેવક દ્વારા યોગ્ય રીતે અને સચોટ સર્વે હાથ ન ધરતા અનેક ખેડૂતોના નુકસાની અંગેના ફોર્મ રદ્દ થઈ રહ્યાં છે. જેને લઇ હરિપર ગામના ખેડૂતો ખેતીવાડી કચેરી ખાતે ખેડૂતો એકત્ર થયા હતા. ખેડૂતોના જણાવ્યા અનુસાર ગ્રામ સેવકો નુકસાનીનુંં સર્વે હાથ ધરવા આવ્યા ત્યારે ખેડૂતોએ સર્વે બાબતે પુછપરછ કરતા યોગ્ય જવાબો આપ્યા નહોતા અને રજુઆત સાંભળ્યા વગર આડેધડ સર્વે કરી નાંખ્યો હતો. ગામમાં અનેક ખેડૂતોને નુકશાન થયું હોવા છતાં માત્ર ૨૦ ખેડૂતોના ખેતરોમાં જ નુકસાની અંગે સર્વે કર્યો હોવાનું જણાવ્યું હતું. તેમજ ગ્રામસેવકની બેદરકારીના કારણે નુકસાની અંગેના ફોર્મ રદ્દ થતાં ખેડૂતોએ ખેતીવાડી કચેરી ધસી જઇ નુકસાની અંગે પુરૃ વળતર ચુકવવામાં આવે તેવી માંગ કરી હતી.