વઢવાણ તાલુકામાં કપાસનો પાક બળી જતાં ખેડૂતોને નુક્સાન
- ઉભા પાક પર વરસાદ પડતા ખેડૂતોને ફટકો
- 50 ટકા ઓછો ઉતારો આવવાની શક્યતા ઃ પૂરતા ભાવ અને આર્થિક સહાય ચુકવવાની માગણી
સુરેન્દ્રનગર : વઢવાણ તાલુકાના ખોડુ સહીત આસપાસના ગામોમાં ખેડૂતોએ કપાસનું આગોતરૂ વાવેતર કરી પીયત કરી કપાસનો પાક તૈયાર કર્યો હતો. તેવા સમયે વરસાદ વરસતા તૈયાર કપાસના પાકમાં મોટુ નુકસાન થયું હોવાનું ખેડૂતો જણાવી રહ્યાં છે. કપાસનો પાક બળી જતાં ઉત્પાદનમાં પણ ઘટાડો નોંધાયો છે. તો બીજી તરફ કપાસના ભાવ પુરતા ન મળતા ખેડૂતોને ડબલ આથક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં આ વર્ષે ૩ લાખ હેક્ટર કરતા વધુ જમીનમાં કપાસનું વાવેતર કરાયું છે અને શરૂઆતમાં વરસાદ ખેંચાતા ખેડૂતોએ કપાસના પાકને પીયત કરી તૈયાર કર્યો હતો. કપાસનો પાક તૈયાર થઇ ગયાં બાદ વઢવાણ તાલુકામાં વરસાદ થતાં કપાસના પાકમાં મોટુ નુકસાન થયું છે. કપાસ વીણવાના સમયે વરસાદની જરૂરિયાત ન હતી તેવા સમયે વરસાદ થતાં કપાસનો ફાલ છોડ પરથી ખરી ગયો છે. તેમજ જે કપાસના છોડ ખેતરોમા છે તે પણ સંપૂર્ણ બળી ગયાં છે અથવા બગડી ગયા છે જેના કારણે ખેડૂતોને પારાવાર નુકસાન થયું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.
વઢવાણ તાલુકાના ખોડુ સહીત આસપાસના ગામોમાં વરસાદના કારણે કપાસના પાકના ઉત્પાદનમાં અંદાજે ૫૦ ટકા જેટલો ઉતારો ઓછો આવે તેવી શક્યતાઓ ખેડૂતો દ્વારા સેવાઈ રહી છે. બીજી તરફ વરસાદમાં પલળી ગયેલા કપાસના ભાવ પણ પુરતા ન મળતા ખેડૂતોને આ વર્ષ આવક થવાની વાત તો એકતરફ રહી પરંતુ ખર્ચ પણ માંડ નીકળે તેવી સ્થિતિ સર્જાઇ છે.
કપાસના પાકમાં છેલ્લા બે ત્રણ વર્ષથી ખેડૂતોને પુરતા ભાવ ન મળતા ખેડૂતોની હાલત કફોડી બની છે ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને આથક સહાય જાહેર કરવામાં આવે તેમજ કપાસના પુરતા ભાવ આપે તેવી માંગ ઉઠી છે. કપાસના પાકમાં રોગ તેમજ ઉત્પાદનના ઘટાડાને લઇને ખેડૂતોને ગામડા છોડી શહેર તરફ અન્ય રોજગાર માટે હીજરત કરવાની નોબત આવે તેવી શક્યતા છે.