સુરેન્દ્રનગરના ખેડૂતોએ પડતર પ્રશ્નો અંગે કિશાન આશિર્વાદ પદયાત્રા યોજી

Updated: Jul 9th, 2024


Google NewsGoogle News
સુરેન્દ્રનગરના ખેડૂતોએ પડતર પ્રશ્નો અંગે કિશાન આશિર્વાદ પદયાત્રા યોજી 1 - image


- જસાપરના પાટિયાથી મુળીના માંડવરાયજી મંદિર સુધી 

- સરકાર દ્વારા માંગો પુરી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચિમકી  

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોની પડતર માંગોને લઈ આમ આદમી પાર્ટીની અધ્યક્ષતામાં ખેડૂતોએ મુળી તાલુકાના જસાપર ગામના પાટિયાથી મુળી માંડવરાયજી મંદિર સુધી કિશાન આશિર્વાદ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા અને પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવા માંગણી કરી હતી. માંગ સ્વિકારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી.   

સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતોના વિવિધ પ્રશ્નો અને સમસ્યાઓ અંગે આપના કિસાન સંગઠનના પ્રદેશ અધ્યક્ષની આગેવાનીમાં મુળીના જશાપર ગામના પાટિયા પાસેથી કિશાન આશિર્વાદ પદયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં મુળી અને થાન સહિતના તાલુકાના ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા હતા. પાંચ કિમીની પદયાત્રા કરી મુળી માંડવરાયજી મંદિર ખાતે પદયાત્રા પૂર્ણ થઈ હતી. 

જિલ્લામાં દરેક ખેડૂતના ખેતર સુધી પિયત માટે નિયમિત પાણી, સરકાર દ્વારા એમએસપીનો કાયદો અમલમાં લાવી ખેડૂતોને દરેક પાકોના પોષણક્ષમ ભાવ આપવામાં આવે, એક વખત ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવામાં આવે, કૃષિ નીતિ અને કૃષિ પંચ બનાવવામાં આવે તેમજ એક ગામમાં એક તળાવ ભરવામાં આવે સહિતની વિવિધ માંગો સરકાર દ્વારા પુરી કરવામાં ન આવતાં આ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું. 

આગામી દિવસોમાં સરકાર દ્વારા તમામ માંગો અંગે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો રાજ્યવ્યાપી ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારવામાં આવી હતી. રસ્તા પર ઠેરઠેર કિશાન પદયાત્રાનું લોકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ ખેડૂતો  દ્વારા માંડવરાયજી દાદાના દર્શન કરી તમામ માંગો પુરી થાય અને સરકારને ઈશ્વર સદ્દબુધ્ધી આપે તેવી પ્રાર્થના કરી હતી.



Google NewsGoogle News