મીઠાના ભાવમાં ટનદીઠ રૃ. 200 નો ઘટાડો થતાં અગરિયાઓને ફટકો
- મીઠાનું જંગી ઉત્પાદનના કારણે ભાવમાં ઘટાડો
- મીઠાના ભાવમાં ઘટાડો થતાં અગરિયાઓને રાતાપાણીએ રોવાનો વારો
- મીઠાની ઓછી માગ, સરકારના નિયમો પણ જવાબદાર ઃ તનતોડ મહેનત પછી પણ અગરિયાને કિલોએ માત્ર અઢી રૃપિયા જ મળે છે ઃ ટનદીઠ રૃા.૨૦૦ સુધીનો ભાવ ઘટયો : મીઠાના પોષણક્ષમ ભાવો મળી રહે તેવી માગ
- કાળી મજૂરી કરી મીઠુ પકવી લોકોના ઘરની રસોઇ સ્વાદિષ્ટ બનાવતા અગરિયાઓની જીંદગીમાં ખારાશ ભળી ગઇ હોય તેવી સ્થિતિ સર્જાઇ
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જીલ્લાના પાટડી તાલુકામાં રાજ્યના કુલ મીઠાના ઉત્પાદનનું ૬૦ ટકાથી વધુ મીઠું પકવવામાં આવે છે અને અનેક પરિવારો મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે પરંતુ ચાલુવર્ષે મીઠાનું જંગી ઉત્પાદન થતા મીઠાના ભાવમાં ટન દિઠ રૃ. ૨૦૦ સુધીનો ઘટાડો જોવા મળતા અગરિયાઓ તેમજ વેપારીઓ બન્નેમાંથી એકપણને પુરા ભાવ ન મળતા મીઠા ઉદ્યોગ હાલ મંદીના વમળમાં ફસાયો છે અને અગરિયાઓ સરકાર દ્વારા આ અંગે યોગ્ય ભાવ મળી રહે તે માટે કાર્યવાહી કરવાની માગ કરી રહ્યાં છે.
કચ્છના નાના રણ તરીકે ઓળખાતા પાટડીના ખારાઘોડા તેમજ ધ્રાંગધ્રાના કુડા રણ વિસ્તારમાં અગરિયાઓ તનતોડ મહેનત કરી મીઠું પકવી ૧૫,૦૦૦થી વધુ પરિવાર ગુજરાન ચલાવે છે. પરંતુ ચાલુ વર્ષે મીઠાના પુરતા ભાવ ન મળતા અગરિયાઓ તેમજ વેપારીઓેની હાલત કફોડી બની છે. ખારાઘોડા, કુડા, ધ્રાંગધ્રાના રણ વિસ્તારમાં મીઠાનું ઉત્પાદન કરવામાં આવે છે.
અગરિયા અને સ્થાનિક આગેવાન હીંગોરભાઈ રબારી સહિતના લોકોેના જણાવ્યા મુજબ મીઠામાં ભાવ ઘટાડા પાછળ સરકારની અગરિયાઓ માટેની નીતિ, જંગી ઉત્પાદન, વૈશ્વિક બજારમાં મીઠાની ઓછી માગ, રણમાં અગરિયાઓ માટે પ્રવેશબંધીના કડક નિયમો વગેરે બાબતો જવાબદાર હોવાનું જણાવ્યું હતું. તેમજ સરકારની અગરિયાઓ માટેની સેટલમેન્ટની યોજનાના નિયમો અંતર્ગત કચ્છના નાના રણમાં આવેલા ઘુડખર અભ્યારણ્યમાં અગરિયાઓને મીઠાના ઉત્પાદન માટે પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતો નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે જેના કારણે વર્ષોથી કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયાઓ રણમાં ન જઈ શકતા તેમની હાલત કફોડી બની છે. પ્રતિબંધના નિયમો હળવા કરવામાં આવે તેવી પણ માગ ઉઠવા પામી છે. સરકાર દ્વારા નકર કાર્યવાહી કરવામાં નહીં આવે તો અનેક પરિવારો રોજીરોટી પુરી પાડતો પાટડીનો મીઠા ઉદ્યોગ નામશેષ થઈ જવાની શક્યતાઓ સેવાઈ રહી છે.
એક તરફ મીઠાનું જંગી ઉત્પાદન થયું છે. બીજી બાજુ બહારના રાજ્યોમાં મીઠાની નિકાસ પણ થતી નથી. મીઠાની નિકાસ બંધ રહેતા આ ઉદ્યોગ સાથે સંકળાયેલા અગરિયાઓ, વેપારીઓ, મજુરવર્ગ, મીઠાનું ટ્રાન્સપોર્ટેશન કરતા ધંધાદારીઓ સહિત અનેક પરિવારોને મુશ્કેલી ભોગવવાનો વારો આવી રહ્યો છે. સરકાર દ્વારા યોગ્ય પગલા ભરવામાં આવે તેમજ અગરિયાઓને પોષાય તેવા મીઠાના ભાવો આપવામાં આવે તેવી માગ અગરિયાઓ કરી રહ્યાં છે. અગરિયાઓ માટે સ્થાનિક ધારાસભ્ય સહિત રાજકીય આગેવાનો પણ રસ લે અને સરકાર સમક્ષ રજુઆત કરે તે જરૃરી છે. હાલ તો મીઠાના ભાવમાં ઘટાડાને લઇને જે અગરિયાઓ કાળી મજૂરી કરી મીઠું પકવી લોકોના ઘરની રસોઇને સ્વાદિષ્ટ બનાવે છે તેમની જીંદગીમાં જાણે ખારાશ ભળી ગઇ હોય તેવી સ્થિતિ સર્જાઇ છે.
સતત બીજા વર્ષે મીઠાનું જંગી ઉત્પાદન
ચાલું વર્ષે અંદાજે ૨૦ લાખ મેટ્રિક ટન કરતા પણ વધુ મીઠાનું ઉત્પાદન થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. જ્યારે ગત વર્ષે પણ મોટા પ્રમાણમાં મીઠાનું ઉત્પાદન થયું હતું. સતત બે વર્ષથી મીઠાનું જંગી ઉત્પાદન થયું છે તેની સામે બજારમાં મીઠાની માગ જોઈએ તેવી ન રહેતા ભાવમાં ઘટાડો આવ્યો છે. ગત વર્ષે એક મેટ્રીક ટન મીઠાનો ભાવ અંદાજે રૃા.૫૫૦ થી લઈ રૃા.૭૦૦ સુધીનો હતો પરંતુ ચાલુ વર્ષે આ ભાવ ઘટીને હાલ રૃા.૪૦૦ થી ૪૫૦ સુધીનો જોવા મળી રહ્યો છે. મીઠાના ભાવમાં અંદાજે રૃા.૨૦૦થી ૨૫૦નો ઘટાડો જોવા મળતા મીઠા ઉદ્યોગમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે.