ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડમાં મગફળી લઈ ખેડૂતો ઉમટયા
- ટેકાના ભાવે ખરીદી શરૃ થતાં ખેડૂતો ખુશખુશાલ
- ખુલ્લી બજાર કરતા ટેકાના ભાવ સારા ભાવ મળતા ખેડૂતોને રાહત
ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવથી મગફળીની ખરીદી શરૃ થઈ છે, મગફળીની રૃ.૧૩૫૬ના ભાવથી ખરીદી કરવામાં આવી હતી. વેપારીઓની ખરીદી કરતા ટેકાના ભાવ ૩૦૦થી ૪૦૦ રૃપિયા વધારે મળતા ખેડૂતોને આંશિક રાહત થશે. ખેડૂત દીઠ ૨૦૦ મણ જેટલી મગફળી સરકાર ખરીદશે.
ધ્રાંગધ્રા માર્કેટીંગયાર્ડમાં મગફળીના ટેકાના ભાવથી ખરીદીની શરૃઆત થઈ છે. ઓનલાઇન રજીસ્ટ્રેશન થયેલા ખેડૂતોને મગફળી વેચવા માટે માર્કેટિંગ યાર્ડ ખાતે બોલાવાયા હતા ખેડૂતોને મગફળીનો પ્રતિ મણ રૃા.૧૩૫૬ જેટલો ભાવ ચુકવવામાં આવતા આંશિક રાહત થઇ છે. સરકારનાં નિયમ મુજબ એક બારદાનમાં ૩૬ કિલો મગફળીની ભરતી હોવી જરૃરી છે. તેમજ ૨૦૦ ગ્રામ મગફળીમાં ૧૪૦ ગ્રામ દાણા નીકળવા જરૃરી છે. અને એક ખેડૂત પાસે વધુમાં વધુ બે હેકટરે ૨૦૦ મણ ખરીદી કરવામાં આવી રહી છે.
ધ્રાંગધ્રા માર્કેટ યાર્ડમાં રોજના એકસો જેટલા ખેડૂતોની મગફળી લેવામાં આવી રહી છે. ખેડૂતોને ફોન અને મેસેજથી જાણ કરીને વેરીફિકેશન કરીને ખેડૂતો પાસેથી મગફળી મંગાવવામાં આવે છે.હાલ મગફળીની ખરીદીમાં એક મણ દીઠ બજારભાવ ૯૦૦થી ૧૦૦૦ રૃપિયા આસપાસ બોલાય છે ત્યારે સરકાર દ્વારા ટેકાના ભાવ ૩૦૦થી ૪૦૦ રૃપિયા વધારે આપી મગફળીની ખરીદી શરૃ થઈ છે ત્યારે ખેડૂતોને ટેકાના ભાવની ખરીદીથી આંશિક ફાયદો થશે.
ધ્રાંગધ્રા એપીએમસીમાં ટેકાના ભાવે ખરીદી શરૃ થતાં તાલુકાના ખેડૂતોને સમયનો અને અન્ય તાલુકાની એપીએમસીમાં જવાનું અંતર ઘટતા આર્થિક ફાયદો થયો છે. અગાઉ ખેડૂતોને હળવદ માર્કેટિંગ યાર્ડમાં મગફળી વેચવા જવું પડતું હોવાથી સમયની સાથે ડીઝલનો ખર્ચો થતો હતો.