કપાસના ઉત્પાદનમાં ઘટાડો તથા પોષણક્ષમ ભાવ નહીં મળતા ખેડૂતો પરેશાન
- ઝાલાવાડમાં ખેડૂતોની હાલત કફોડી
- અનિયમિત વરસાદ અને સુકારાના રોગના લીધે પાકમાં ૫૦ ટકા સુધીનું ઉત્પાદન ઘટ
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં કપાસનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે. ચાલુ વર્ષે અંદાજે ૩.૯૭ લાખ હેક્ટર જમીનમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે. હાલ કપાસના ભાવ માંડ ૧૪૦૦ રૂપિયા સુધી મળી રહ્યાં છે બીજી તરફ સુકારાના રોગ અને અનિયમિત વરસાદથી કપાસના ઉત્પાદનમાં પણ ઘટાડો થતાં ખેડૂતોનેને બેવડો આથક માર પડતા જગતના તાતની હાલત કફોડી બની છે.
સુરેન્દ્રનગર જિલ્લાને કપાસનું હબ ગણવામાં આવે છે કારણ કે રાજ્યમાં કપાસનું વાવેતર અને ઉત્પાદનમાં સુરેન્દ્રનગર જિલ્લો મોખરે છે પરંતુ છેલ્લા થોડા વર્ષોથી કપાસના પાકના ભાવ પુરતા ન મળતા ખેડૂતોને હવે કપાસના બદલે અન્ય પાકના વાવેતર તરફ વળવુ પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. ગત વર્ષે કપાસના ભાવ રૂા.૨,૦૦૦ સુધી બોલાયા હતા પરંતુ આ વર્ષે શરૂઆતથી કપાસના ભાવ તળીયે બેસી ગયાં છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલુ વર્ષે કુલ ૩.૯૭ લાખ હેક્ટર જમીનમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું હતુ. શરૂઆતમાં પુરતો વરસાદ થતાં ખેડૂતોને સારૂ ઉત્પાદન થવાની આશા હતી પરંતુ બાદમાં અનિયમિત વરસાદ અને સુકારાના રોગના કારણે કપાસના પાકમાં ૩૦ થી ૫૦ ટકા જેટલો માતબર ઘટાડો નોંધાયો છે. જ્યારે બીજી તરફ કપાસના ભાવ પણ શરૂઆતથી નીચા રહ્યાં છે.
કપાસના ઉત્પાદનમાં માતબર ઘટાડો થયો હોવા છતાં ભાવ વધવાના બદલે ઘટી રહ્યાં છે. હાલ સારામાં સારી ક્વોલિટીના કપાસના ભાવ ૧,૪૦૦ રૂપિયા મળી રહ્યાં છે. ખેતી હવે ખર્ચાળ સાબિત થતી જાય છે ૧ વિઘા જમીનમાં કપાસના વાવેતર પાછળ બીયારણ, દવા, પીયત અને કપાસ વીણવાના ખર્ચ સહીત કુલ રૂા.૭ હજારથી વધુનો ખર્ચ થાય છે. જ્યારે ચાલુ વર્ષે ૧ વિઘામાં માંડ ૭ થી ૮ મણ કપાસનું ઉત્પાદન થાય છે જેના કારણે ખેડૂતોને ખર્ચની રકમ માંડ નીકળે તેવી સ્થિતિ સર્જાઇ છે. ખેડૂતોને કપાસના પાકના પુરતા ભાવ ન મળતા ખેડૂતોની હાલત કફોડી બની છે. ત્યારે કપાસના પોષણક્ષમ ભાવ જો નહીં મળે તો ખેડૂતોને આત્મહત્યા કરવાની કે ખેતી છોડી અન્ય ધંધા તરફ વળવાની નોબત આવશે તેવું ખેડૂતો જણવી રહ્યાં છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં ખેતીમાં મુખ્યત્વે કપાસનું વાવેતર થાય છે. જિલ્લામાં અનેક પરિવારો હજી પણ માત્ર ખેતી પર નિર્ભર છે. ત્યારે ખેડૂતોને કપાસના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. આગામી સમયમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે સરકાર પોષણક્ષમ ભાવ નહીં આપે તો આગામી ચૂંટણી પર અસર પડવાની ખેડૂતોએ ચિમકી ઉચ્ચારી છે.