કપાસની 50 લાખ ગાંસડીની નિકાસ ઘટીને 12 લાખ ગાંસડીએ પહોંચી
- ઝાલાવાડમાંથી કપાસની નિકાસમાં ધરખમ ઘટાડો
- કપાસના નિકાસમાં સતત ઘટાડો થતાં ઝાલાવાડના જીનિંગ ઉદ્યોગ પર માઠી અસર
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લો ખેતી આધારિત જિલ્લો છે અને સૌથી વધુ ઉત્પાદન અહી કપાસનુ થાય છે. ચાલુ વર્ષે કપાસનુ ઉત્પાદન તો વધ્યું છે પરંતુ બીજી બાજુ વૈશ્વિક મંદીના કારણે વિદેશોમાં કપાસની માંગ ઘટતા દર વર્ષે કપાસની નિકાસ ઘટી રહી છે. જેની સીધી અસર ઝાલાવાડના જીનિંગ ઉદ્યોગ પર પડતા હાલ હાલત કફોડી બની છે.
સુરેન્દ્રનગર જિલ્લો કપાસનુ હબ માનવામાં આવે છે અને ઝાલાવાડમાં સૌથી વધુ ઉત્પાદન કપાસનુ થાય છે. યુરોપ, ઈન્ડોનેશિયા, આફ્રિકા જેવા દેશોમાં અહીથી કપાસની નિકાસ થાય છે પરંતુ દર વર્ષે કપાસની નિકાસમાં ધરખમ ઘટાડો થઈ રહ્યો છે.
ત્રણ ચાર વર્ષ પહેલા સુરેન્દ્રનગર જિલ્લામાંથી સીઝન દરમિયાન અંદાજે ૫૦ લાખથી વધુ કપાસની ગાંસડીઓની નિકાસ થતી હતી. જે દર વર્ષે ઘટીને હાલ ચાલુ સીઝનમાં માંડ ૧૦થી ૧૨ લાખ ગાંસડી જેટલી જ કપાસની ગાંસડીઓ અત્યાર સુધીમાં નિકાસ કરવામાં આવી છે.
જ્યારે જીનીંગ એસોશીએસનના પ્રમુખ સંદિપભાઈ શાહના જણાવ્યા મુજબ, બજારમાં વૈશ્વિક મંદી હોવાના કારણે વિદેશોમાં કપાસની માંગ ઘટી છે. તેમજ ચાઈના જેવા દેશોમાંથી ભારત કરતા પણ ખુબ જ ઓછા ભાવે કપાસ મળી રહેતા કપાસની નિકાસને ફટકો પડયો હોય તેમ જીનિંગ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગકારો જણાવી રહ્યાં છે.
જેના કારણે જીનિંગ ઉદ્યોગના માલિકો સહિત તેના પર નિર્ભર રહેતા હજારો પરિવારોને હાલાકી પડી રહી છે. ત્યારે આવનાર દિવસોમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર યોગ્ય નીતિ ઘડી કપાસની નિકાસ વધે તે દિશામાં પ્રયત્નો નહિ કરે તો જીનિંગ ઉદ્યોગને હજુ પણ વધુ મરણતોલ ફટકો પડી શકે તેમ હોવાનું ઉદ્યોગકારો જણાવી રહ્યા છે.