સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં ડહોળા પાણીના વિતરણથી રોગચાળાનો ભય

Updated: Oct 4th, 2023


Google NewsGoogle News
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં ડહોળા પાણીના વિતરણથી રોગચાળાનો ભય 1 - image


- શુદ્ધ પાણી આપવા પાલિકા પાસે માંગ 

- ડહોળુ પાણી પીવાથી ઝાડા, ઉલટી સહિતના રોગોમાં વધારો થયાની ફરિયાદ 

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં છેલ્લા થોડા સમયથી પાલિકા દ્વારા જે પાણી વિતરણ કરવામાં આવે છે તે પાણી ડહોળુ આવતુ હોવાની ફરીયાદો ઉઠી છે અને ડહોળુ પાણી પીવામાં ઉપયોગમાં લેવામાં આવતા પેટના તેમજ ઝાડા ઉલ્ટી સહીતના રોગમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રોગચાળો વધુ ફેલાય તે પહેલા પાલિકા તંત્ર દ્વારા પાણી શુધ્ધ કરીને આપવામાં આવે તેવી માંગ છે

સુરેન્દ્રનગર, વઢવાણ, રતનપર, જોરાવરનગર સહીતની અંદાજે ૨ લાખથી વધુ જનતાને પાલિકા તંત્ર દ્વારા ધોળીધજા ડેમમાંથી પાણી વિતરણ કરવામાં આવે છે પરંતુ છેલ્લા થોડા દિવસોથી પાલિકા તંત્ર દ્વારા જે વિવિધ વોર્ડમાં પાણી વિતરણ કરવામાં આવે છે તે પાણી ડહોળું આવતુ હોવાની ફરીયાદો ઉઠી રહી છે. 

ખાસ કરીને રતનપર, જોરાવરનગર, દાળમીલ રોડ, દુધરેજ રોડ સહીતના વિસ્તારમાં ડહોળુ પાણી આવતા લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. પાણી ખુબ ડહોળુ આવતુ હોવાથી લોકો પીવામાં પણ પાણી ઉપયોગમાં લઇ શકે તેમ નથી અને નાછુટકે મજબુરીમાં ડહોળું પાણી પી રહ્યાં છે. જેને કારણે ઝાડા, ઉલ્ટી તેમજ પેટના અલગ અલગ પ્રકારના રોગ થતાં હોવાની પણ ફરિયાદો ઉઠી રહી છે. 

ત્યારે સમગ્ર શહેરમાં રોગચાળો ફાટી નીકળે તે પહેલા પાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી શુધ્ધ પાણી વિતરણ કરવામાં આવે તેવી શહેરીજનોમાં માંગ ઉઠી છે.


Google NewsGoogle News