સુરેન્દ્રનગર પીજીવીસીએલ કચેરી ખાતે વીજ ગ્રાહકોનો હોબાળો
- નવા મીટરના ચેકિંગ માટે વીજ કચેરીએ ગ્રાહકોને બોલાવ્યા હતા
- સ્માર્ટ વીજ મીટર કાઢી ફરી જૂના મીટર લગાવવા ઉગ્ર માંગ : ગ્રાહકોની લેખિત રજૂઆત વડી કચેરી સુધી પહોંચાડવાની કા.ઈજનેરે ખાતરી આપી
સુરેન્દ્રનગર : રાજ્ય સરકાર દ્વારા જૂના વીજમીટરો કાઢી નવા સ્માર્ટ પ્રિ-પેઈડ વીજમીટરો નાંખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેના ભાગરૂપે સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરના અનેક વિસ્તારોમાં સ્માર્ટ મીટરો નાંખવામાં આવ્યા હતા. પરંતુ વીજગ્રાહકો દ્વારા પીજીવીસીએલ કચેરી ખાતે ઉગ્ર રજૂઆતો અને વિરોધ કર્યા બાદ હાલ સ્માર્ટ વીજ મીટર નાંખવાની કામગીરી બંધ કરવામાં આવી છે. ત્યારે જે ગ્રાહકોને ત્યાં સ્માર્ટ મીટરો લગાવવામાં આવ્યા છે તેમને ત્યાં જૂના મીટરો ફરી ન લગાવાતા વીજ ગ્રાહકોએ પીજીવીસીએલ કચેરી ખાતે હલ્લાબોલ કર્યો હતો.
સુરેન્દ્રનગર શહેરના જીનતાન રોડ, જે.પી.રોડ, ૮૦ ફૂટ રોડ તેમજ જોરાવરનગર અને રતનપર સહિતના શહેરી વિસ્તારોમાં સરકારની સુચના મુજબ, જૂના વીજમીટરો બદલી નવા સ્માર્ટ મીટરો નાંખવામાં આવ્યા છે. આ સ્માર્ટ મીટરોમાં જૂના મીટરો કરતા અનેકગણું વીજબીલ આવતું હોવાની ફરિયાદો ઉઠતા વીજગ્રાહકો અને આગેવાનો દ્વારા બે થી ત્રણ વખત પીજીવીસીએલ કચેરી ખાતે ઉગ્ર રજૂઆતો કરી હતી અને સ્માર્ટ મીટર નાંખવાની કામગીરીનો વિરોધ કર્યો હતો.
જેના ભાગરૂપે પીજીવીસીએલ તંત્ર દ્વારા સ્માર્ટ મીટરો નાંખવાની કામગીરી બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. જે વીજગ્રાહકોને ત્યાં સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવ્યા છે, તેવા તમામ વીજગ્રાહકોને પીજીવીસીએલ તંત્ર દ્વારા મીટર ચેકિંગ માટે બોલાવવામાં આવ્યા હતા. આથી નવા સ્માર્ટ મીટર જે ગ્રાહકોને ત્યાં નાખવામાં આવ્યા છે તેવા વીજગ્રાહકો મોટીસંખ્યામાં પીજીવીસીએલ કચેરી ખાતે ઉમટી પડયા હતા અને સ્માર્ટ મીટર દૂર કરવાના નારાઓ લગાવી કાર્યપાલ ઈજનેરને ઉગ્ર રજૂઆતો કરી હતી.
સ્માર્ટ મીટરો લગાવ્યા બાદ વધુ બીલ આવતું હોવાનું જણાવી તેમના ત્યાં લગાવવામાં આવેલા સ્માર્ટ મીટર હટાવી જૂના વીજમીટરો નાંખવાની માંગ કરી હતી. જે મામલે પીજીવીસીએલ કચેરીના કાર્યપાલ ઈજનેરે લેખિત રજૂઆતો કરવાનું જણાવ્યું હતું અને ગ્રાહકોની રજૂઆત વડી કચેરી સુધી પહોંચાડવાની ખાતરી આપી હતી.