સુરેન્દ્રનગર વોર્ડ નં. 12માં સુવિધાઓ ન મળતા ચૂંટણી બહિષ્કારની ચિમકી
- કોળીપરા, જૂના ખાટકીવાસ, ભીલપરા સહિતના વિસ્તારોમાં પાલિકા વિરોધી બેનરો લગાવી દેવાયા
સુરેન્દ્રનગર, તા.18 જાન્યુઆરી 2021, સોમવાર
સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જીલ્લામાં પણ આગામી દિવસમાં સ્થાનીક સ્વરાજ્યની ચુંટણી આવી રહી છે જેને ધ્યાને લઈ રાજકીયપક્ષો દ્વારા અત્યારથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને મતદારો સુધી પહોંચવા અને રીઝવવા અનેક પ્રયાસો હાથધરવામાં આવી રહ્યાં છે ત્યારે સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકાના અમુક વોર્ડમાં પ્રાથમિક સુવિધાઓ ન મળતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને ચુંટણીનો બહિષ્કાર કરવાના બેનરો લગાવી વિરોધ કરવામાં આવી રહ્યો છે.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સમગ્ર રાજ્યમાં સુરેન્દ્રનગર જીલ્લામાં પણ જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચુંટણીઓ જાહેર થઈ છે અને આગામી દિવસોમાં ચુંટણી આવી રહી છે. ત્યારે પાલિકાની ચુંટણીને ધ્યાને લઈ ભાજપ અને કોંગ્રેસ દ્વારા અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે તેમજ મતદારો સુધી, પહોંચવા અને રીઝવવા એનકેન પ્રકારે પ્રયાસો હાથધરવામાં આવી રહ્યાં છે.
પરંતુ પાલિકાના અમુક વોર્ડમાં રહિશોને રોડ, રસ્તા, પાણી, ગટર અને સફાઈ સહિતની સુવિધાઓ ન મળતાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકાના વોર્ડ નં.૧૨માં આવેલ રહેણાંક વિસ્તારો કોળીપરા, જુના ખાટકીવાસ, ભીલપરા સહિત આસપાસના વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી પ્રાથમિક સુવિધાઓ ન મળતાં મહિલાઓ અને રહિશોએ વિરોધ કર્યો હતો અને સ્થાનિક વિસ્તારમાં ચુંટણીનો બહિષ્કાર કરવાના બેનરો લગાવ્યા હતાં.
જેમાં કોઈપણ રાજકીય પક્ષોએ આ વિસ્તારમાં મત માંગવા આવવું નહિં તેવાં લખાણો સાથે બેનરો લગાવી ચુંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ અંગે અનેક વખત રજુઆતો કરવામાં આવી હતી પરંતુ કોઈ જ ઉકેલ ન આવતાં રહિશો દ્વારા ચુંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી જ્યારે સ્થાનીક રહિશો દ્વારા આ વિસ્તારમાં શરૂઆતથી જ તંત્ર દ્વારા ભેદભાવ રાખી ઓરમાયું વર્તન કરવામાં આવતું હોવાનો આક્ષેપ પણ કર્યો હતો.