ઝાલાવાડમાં લોકોમાં ભય ફેલાવતા આઠ શખ્સો છરી સાથે ઝડપાયા
- લોકોમાં હથિયાર વડે ભય ફેલાવતા લોકો સામે કાર્યવાહી
- સુરેન્દ્રનગર, ચોટીલા, ધ્રાંગધ્રા, થાન, વઢવાણમાં છરી સાથે ફરતા શખ્સોને દબોચી લીધા
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં લોકોમાં હથિયારો વડે લોકોમાં ભય પેદા કરતા લોકોને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ હાલતમાં ફરતા શખ્સોની તલાશી લેતા અલગ અલગ વિસ્તારમાંથી ગેરકાયદેસર છરી સાથે ફરતા ૮ શખ્સોને દબોચી લીધા હતા. પોલીસે તમામ શખ્સો વિરૃધ્ધ હથિયાર બંધી જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં મોડી રાત્રીના સમયે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા શખ્સોને ઝડપી પાડવા રાત્રીના સમયે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ચોટીલા દુધેલી રોડ પરથી આશિષ મનુભાઇ વાઘેલાને, ચોટીલા હાઇવે પર આવેલી ધર્મશાળા સામેથી પ્રવિણ બચુભાઇ કોરડીયાને છરી સાથે ઝડપી લીધા હતાં. જ્યારે ધ્રાંગધ્રા સિટી પોલીસે મોચીવાડ પાસેથી ચેતન મનસુખભાઇ પરમારને તેમજ ધ્રાંગધ્રા તાલુકા પોલીસે નાગાબાવાની વાવ પાસેથી કાના જીવાભાઇ ધામેચાને છરી સાથે ઝડપી લીધા હતાં. જ્યારે જોરાવરનગર પોલીસે સુધારા પ્લોટ વિસ્તારમાંથી અસ્લમ સાઉદીનભાઇ જામને અને સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસે વહાણવટીનગર પાસેથી રાહુલ પેથાભાઇ સરૈયાને, વઢવાણ અબોલપીરના ચોક પાસેથી ઇમરાન ખાનમહંમદભાઇ ચૌહાણને, થાન પોલીસે નેશનલા કાંટા પાસેથી ગોવિંદ કરશનભાઇ જોગરાણાને છરી સાથે ઝડપી લીધા હતાં. પોલીસના છરી સાથે ઝડપાયેલા તમામ ૮ શખ્સો વિરૃધ્ધ હથિયાર બંધી જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.