ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં કાયમી ડોક્ટરોના અભાવે દર્દીઓને હાલાકી
- પ્રાંત અધિકારી-મામલતદારને આવેદનપત્ર આપ્યું
- 60 થી વધુ ગામોના દર્દીઓને પડતી મુશ્કેલીનો ઉકેલ નહીં આવે તો આંદોલનની ચિમકી
સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રા શહેરની મુખ્ય સરકારી હોસ્પીટલમાં છેલ્લા ઘણા સમયથી અનેક નિષ્ણાંત તબીબોની જગ્યાઓ ખાલી હોવાથી શહેરી વિસ્તાર સહિત આસપાસના અંદાજે ૬૦થી વધુ ગામના દર્દીઓને હાલાકી પડી રહી છે. જે અંગે સ્થાનીક આગેવાનો અને જાગૃત નાગરિકો દ્વારા પ્રાંત અધિકારી અને મામલતદારને લેખીત રજુઆત કરવામાં આવી હતી.
આવેદનપત્રમાં રજૂઆત કરી હતી કે, ધ્રાંગધ્રા તાલુકામાં ૬૫ ગામડાઓનો સમાવેશ થાય છે તેમજ અમદાવાદ - કચ્છનો હાઇવે પણ ધ્રાંગધ્રાને અડીને પસાર થતો હોવાથી અહીં અવારનવાર અકસ્માતો બનતા હોય છે. જેમાં ઘણી વખત અતિગંભીર અકસ્માતો પણ બને છે. ત્યારે ધ્રાંગધ્રા તાલુકાના ૬૫ ગામોના દર્દીઓ અને હાઇવે પરના થતા અકસ્માતોના ઇમર્જન્સી દર્દીઓ વચ્ચે એક માત્ર ધ્રાંગધ્રા ખાતે આવેલી સરકારી હોસ્પીટલ છે. જે યોગ્ય તબીબો અને ઓપરેટરોના અભાવે હોસ્પિટલેથી અવારનવાર ઇજાગ્રસ્તોને સુરેન્દ્રનગર અથવા રાજકોટ રીફર કરાય છે.
જ્યારે ધ્રાંગધ્રાની સરકારી હોસ્પીટલમાં લાખ્ખોના ખર્ચે આધુનિક સાધનો તો વસાવ્યા છે પરંતુ આ તમામ સાધનો ઓપરેટરોના અભાવે ધુળ ખાતા જોવા મળે છે. અહિ એક્સ-રે માટે મશીન છે પરંતુ ઓપરેટર અને ઓર્થોપેડીક તબીબ નથી. આવા અનેક કારણોને પગલે દર્દીઓને ન છુટકે ખાનગી હોસ્પીટલમાં જવં પડે છે. પરિણામે ગરીબ દર્દીઓને ખર્ચ વેઠવાનો વારો આવે છે. અગાઉ સરકારી હોસ્પીટલમા તબીબોની ઉણપથી અનેક આંદોલનો થઈ ચૂક્યા છે અને સમેટાય પણ ગયા છતાં આજદિન સુધી તબીબો નથી આવ્યા.
આ સરકારી હોસ્પીટલમાં હાલ ી રોગ નિષ્ણાંત (કાયમી નથી), બાળરોગ નિષ્ણાંત (કાયમી નથી), જનરલ સજન, આંખના નિષ્ણાંત અને એનેસ્થેટીક સહિતના તબીબીની જગ્યાઓ છેલ્લા ઘણા સમયથી ખાલી છે. આ પહેલાપણ અનેક વખત જુદી-જુદી સામાજીક સંસ્થાઓ દ્વારા આવેદન પત્ર અપાયા છે. છેલ્લા એક દાયકાથી હોસ્પીટલમાં નિષ્ણાંત કાયમી તબીબોની ઘટને લઇ ધારાસભ્યો પાસે પણ રજુઆત કરાઇ છે, છતા સ્થાનિક ધારાસભ્ય કે અન્ય નેતાઓ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરાઇ નથી અને પરિસ્થિતિ જેમની તેમ જ છે. તેમજ જો પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.