સુરેન્દ્રનગર જીલ્લામાં ડબલ ઋતુના કારણે વાયરલ ઈન્ફેકશનના કેસો વધ્યા

Updated: Mar 5th, 2024


Google NewsGoogle News
સુરેન્દ્રનગર જીલ્લામાં ડબલ ઋતુના કારણે વાયરલ ઈન્ફેકશનના કેસો વધ્યા 1 - image


- સરકારી હોસ્પીટલની ઓપીડીમાં 40 ટકાનો  વધારા

- સવારે ઠંડી અને બપોરે ગરમીના કારણે તાવ, શરદી, ઉધરસના કેસો વધ્યા

સુરેન્દ્રનગર : સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જીલ્લામાં પણ ડબલ ઋતુ તેમજ વાયરલ ઇન્ફેકશનના કારણે સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થતા આરોગ્ય વિભાગમાં ચિંતા જોવા મળી રહી છે તો બીજી બાજુ દૈનિક ઓપીડીમાં પણ ડબલ ઋતુને કારણે વધારો જોવા મળતા તંત્ર દ્વારા લોકોને આરોગ્ય પ્રત્યે સાવચેત રહેવા તાકીદ કરવામાં આવી છે.

 સુરેન્દ્રનગર જીલ્લાની મુખ્ય સરકારી ગાંધી હોસ્પિટલમા શહેરી વિસ્તારો સહિત આસપાસના ગામોમાથી પણ અનેક દર્દીઓ સારવાર લેવા આવે છે તેમજ અસહ્ય મોંઘવારીના કારણે ગરીબ તેમજ મધ્યમ વર્ગના દર્દીઓ ખાનગી હોસ્પિટલ કરતા સરકારી હોસ્પિટલમા સારવાર લેવાનુ વધુ પસંદ કરે છે. 

હાલ વહેલી સવારે ઠંડી અને બપોરે ગરમીના કારણે લોકો ડબલ ઋતુનો અહેસાસ કરી રહ્યા છે. ડબલ ઋતુને કારણે સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારો સહિત જીલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વાયરલ ઇન્ફેક્શનના કેસ વધ્યા છે જેમાં તાવ, શરદી, ઉધરસ, કમળો સહિતના કેસોમાં વધારો થયો છે. 

શહેરની મુખ્ય સરકારી ગાંધી હોસ્પિટલમાં હાલ ડબલ ઋતુના કારણે રોજની અંદાજે ૩૦૦ થી વધુ ઓપીડી નોંધાઈ રહી છે જેમાં મોટે ભાગે તાવ, શરદી, ઉધરસ, કમળો અને ડેન્ગ્યુના દર્દીઓ હોય છે. જ્યારે ખાનગી હોસ્પિટલોમાં પણ ડબલ ધતુના કારણે દર્દીઓની સંખ્યામાં વધારો થતા સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ ઉમટી પડે છે. 

સામાન્ય રીતે મુખ્ય સરકારી હોસ્પિટલમાં દરરોજ અંદાજે ૧૮૦ થી ૨૦૦ જેટલી ઓપીડી નોંધાતી હતી પરંતુ હાલ ડબલ ઋતુના કારણે ઓપીડીમાં ૩૫% થી ૪૦% જેટલો વધારો થયો છે. જ્યારે આ મામલે સરકારી હોસ્પિટલના મુખ્ય સિવિલ સર્જનનો સંપર્ક કરતા લોકોને ડબલ ઋતુને ધ્યાને લઇ આરોગ્ય પ્રત્યે વિશેષ કાળજી રાખવા જણાવ્યું હતું અને ઠંડા પીણા, બહારનો ખોરાક, જંક ફૂડ, વાસી ખોરાક નહિ ખાવા અપીલ કરી હતી તેમજ કોઈપણ વ્યક્તિને સામાન્ય તાવ કે શરદી ઉધરસના લક્ષણો જણાઈ આવે તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા મુખ્ય સરકારી હોસ્પિટલમાં તપાસ કે સારવાર લઈ લેવા તાકીદ કરી હતી. 

જ્યારે ડબલ ઋતુના કારણે વધી રહેલા કેસને ધ્યાને લઈ તંત્ર દ્વારા રહેણાક વિસ્તારોમાં દવાનો છંટકાવ કરવામાં આવે તેમજ સરકારી હોસ્પિટલમાં જરૂરી દવા અને ઈન્જેકશનનો પૂરતો સ્ટોક રાખવામાં આવે તેવી પણ દર્દીઓ અને તેમના પરિવારજનોએ માંગ કરી હતી.



Google NewsGoogle News