વઢવાણના રાજપર ગામની કેનાલમાં ઝંપલાવી છુટાછેડા લીધેલા દંપતીનો આપઘાત
- પારિવારિક કારણોસર અગાઉ છૂટાછેડા લીધા હતા
- બંને જણા કમરે દુપટ્ટો-પટ્ટો બાંધી કેનાલમાં કૂદી પડયા,પરિવારમાં માતમ છવાયો
સુરેન્દ્રનગર : વઢવાણ તાલુકાના રાજપર ગામ પાસેથી પસાર થતી નર્મદાની દુધરેજ તરફ જતી કેનાલમાં અગાઉ છુટ્ટાછેડા લીધેલા યુવક અને યુવતીએ સજોડે ઝંપલાવી આપઘાત કર્યો હતો.
વઢવાણમાં રહેતા રવિભાઈ સીંધાભાઈ વરૂ અને યુવતી ગાયત્રીબેન સરૈયાના લગ્ન થોડા મહિના પહેલા સામાજિક વિધિથી થયા હતા પરંતુ કોઈ કારણોસર એકબીજાના પરિવારોને અનુકુળ ન આવતા છુટાછેડા લઈ લીધા હતા અને બન્ને યુવક-યુવતી અલગ રહેતા હતા.
જે દરમિયાન રાજપર ગામ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં યુવક અને યુવતીએ સજોડે ઝંપલાવ્યું હોવાની આસપાસના લોકો સહિત પરિવારજનો, તરવૈયાઓ તેમજ સુરેન્દ્રનગર પાલિકાની ફાયર ફાયટર ટીમને જાણ કરવામાં આવતાં ટીમ ઘટના સ્થળે પહોંચી યુવક અને યુવતીની શોધખોળ હાથધરી હતી.
જેમાં મોડીરાત સુધી શોધખોળ કરવા છતાં કોઈ જ પત્તો લાગ્યો નહોતો અને બીજે દિવસે સવારે બન્નેના મૃતદેહ કેનાલમાંથી કમરે દુપટ્ટો તેમજ બેલ્ટ બાંધેલી હાલતમાં સજોડે મળી આવ્યા હતા. બન્ને મૃતદેહનો કબજો લઈ પીએમ અર્થે સરકારી હોસ્પીટલે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બન્ને મૃતકોના પરિવારજનો સહિત સમાજના આગેવાનો મોટીસંખ્યામાં ઉમટી પડયાં હતાં.
બન્નેના પરિવારજનોમાં લગ્નને લઈ નારાજગી પ્રવર્તી હતી. જો કે યુવક અને યુવતી છુટાછેડા બાદ પણ એકબીજાના સંપર્કમાં અને પરસ્પર લાગણી તેમજ પ્રેમ ધરાવતા હોવાનું બહાર આવ્યું હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. હાલ પોલીસે પરિવારજનોના નિવેદનના આધારે આત્મહત્યા પાછળનું કારણ શોધી ફરિયાદની તજવીજ હાથ ધરી છે. જ્યારે યુવક અને યુવતીની આત્મહત્યાના બનાવથી પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ છે.