Get The App

ચોટીલામાં વરસાદી પાણીનો નિકાલ ન થતાં હાલાકી

Updated: Aug 1st, 2024


Google NewsGoogle News
ચોટીલામાં વરસાદી પાણીનો નિકાલ ન થતાં હાલાકી 1 - image


- અડધા ઈંચ વરસાદમાં પાણી ભરાયા

- ખાડી પ્લોટ વિસ્તારમાં જળભરાવથી મચ્છરોનો ઉપદ્રવ વધ્યો, રોગચાળાનો ભય

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલુ વર્ષે ચોમાસાની સીઝનનો માત્ર ૩૦ ટકા જેટલો જ વરસાદ અત્યાર સુધીમાં નોંધાયો છે પરંતુ વરસાદી પાણીના નીકાલના અભાવે સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઈ રહેતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. તાજેતરમાં ચોટીલા તાલુકામાં પડેલા માત્ર અડધા ઈંચ જેટલા વરસાદમાં ચોટીલા શહેરના અમુક વિસ્તારોમાં પાણી ભરાઈ રહેતા સ્થાનિકોએ પાલિકા સામે રોષ ઠાલવ્યો છે. 

 ચોટીલા તાલુકામાં તાજેતરમાં બે કલાકમાં માત્ર ૧૫ મીમી વરસાદ પડતા શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલના અભાવે પાણી ભરાઈ ગયા હતા. સુખનાથ મંદિર રોડ પર પાણી ભરાઈ જતા  દર્શનાર્થીઓને મુશ્કેલી પડી હતી. તેમજ પાંજરાપોળના દરવાજામાં પણ વરસાદી પાણી ઘુસી ગયા હતા.

 ઉપરાંત કેટલીક દુકાનોમાં વરસાદી પાણી ફરી વળતાં નુક્શાન પહોંચ્યું હોવાના આક્ષેપ સાથે દુકાનદારોએ રોષ ઠાલવ્યો હતો. વરસાદી પાણીના નિકાલ માટે અનેક વખત પાલિકા તંત્રને રજુઆતો કરી હોવા છતાં પાલીકાના સત્તાધીશો દ્વારા કોઈ ઉકેલ લાવવામાં આવ્યો ન હોવાના આક્ષેપ દુકાનદારોએ લગાવ્યા હતા.

ખાંડી પ્લોટ વિસ્તારમાં ઘણા દિવસથી પાણી ભરાઈ રહેતા મચ્છરોનો ઉપદ્રવ વધતા રોગચાળો ફેલાવાની પણ દહેશત ફેલાઈ છે. ભાજપ શાસિત નગરપાલિકા દ્વારા એકતરફ સ્વચ્છતા અને સફાઈની વાતો કરવામાં આવે છે, ત્યારે બીજી બાજુ વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી દુકાનદારો સહિતના સ્થાનિકોને મુશ્કેલી ભોગવવાનો વારો આવી રહ્યો છે. ત્યારે તાત્કાલીક આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.



Google NewsGoogle News