આંગણવાડી કેન્દ્રોમાં વરસાદી પાણીનો નિકાલ ન થતાં હાલાકી
- પાટડી અને આસપાસના ગામોમાં
- અનેક રજૂઆતો છતાં ઉકેલ ન આવતો હોવાના આક્ષેપ
સુરેન્દ્રનગર : પાટડી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં આંગણવાડી કેન્દ્રોમાં વરસાદી પાણીનો નિકાલ ન થતાં બાળકો સહિતનાને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. તેમજ બાવળો ઉગી નીકળતા જીવજંતુઓનો ભય સેવાઈ રહ્યો છે. આ અંગે સત્વરે કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.
પાટડી શહેરી વિસ્તાર સહિત આસપાસના ગામોમાં આવેલા આંગણવાડી કેન્દ્રોમાં વરસાદી પાણીના નિકાલના અભાવે પાણી ભરાઈ રહેતા હાલાકી પડી રહી છે. જે અંગે અનેક વખત સ્થાનિકકક્ષાએ રજૂઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ આવ્યો નથી.
આંગણવાડી કેન્દ્રના ગ્રાઉન્ડમાં વરસાદી પાણી ભરાઈ રહેવાથી બાળકો રમત-ગમતના સાધનોનો યોગ્ય ઉપયોગ કરી શકતા નથી. તેને એકબાજુ ઢગલો કરી મુકી દેવામાં આવ્યા છે અને બિનઉપયોગી બની ગયા હોવાનું જાણવા મળ્યું છે. ઉપરાંત વરસાદી પાણી ભરાઈ રહેતા રોગચાળો ફેલાવાની પણ દહેશત સેવાઈ રહી છે અને બાવળોના કારણે જીવજંતુઓનો ભય વાલીઓમાં સેવાઈ રહ્યો છે. તાત્કાલીક આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.