કડુ પાસેની વલ્લભીપુર શાખાની કેનાલમાં પાણી બંધ કરાતા હાલાકી
- પિયત માટે પાણી ના મળતા નુક્સાનની ભીતિ
- કેનાલમાંથી કચરો, લીલ સાફ કરાવી સત્વરે પાણી આપવા માંગ
સુરેન્દ્રનગર : લખતર તાલુકાના કડુ ગામ નજીક પસાર થતી વલ્લભીપુર શાખાની ડિ-ટુ કેનાલમાં અચાનક પાણી બંધ કરી દેતા ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તંત્ર દ્વારા કેનાલમાં પાણી છોડવામાં આવે તેવી માંગ ઉઠી છે.
તાજેતરમાં લખતરના કડુ ગામ પાસેથી પસાર થતી વલ્લભીપુર બ્રાન્ચની ડી-ટુ કેનાલમાં અચાનક પાણી બંધ કરી દેતા ખેડૂતોએ ઉનાળાની સીઝનમાં મોંઘા ભાવના બિયારણ લાવીને વાવેલા જુવાર, તલ, મગ જેવા વિવિધ પાકોને પીયત માટે સમયસર પાણી નહીં મળતા નુક્સાન થવાની ભીતિ છે.
બીજી બાજુ, કેનાલ બંધ કરાતા કેનાલની અંદર કચરા, લીલ, સેવાળ, સહિતની ગંદકી જોવા મળી રહી છે. જેના કારણે તંત્ર દ્વારા કરાતી કેનાલની સાફ સફાઈ માત્ર કાગળ ઉપર જ હોવાનો રોષ ખેડૂતોએ ઠાલવ્યો હતો.
ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે કેનાલની યોગ્ય રીતે સાફ સફાઈ કરાવી ડિ-ટુ કેનાલની અંદર પાણી છોડવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે.