વઢવાણ જીઆઈડીસીમાં બિસ્માર રસ્તા અને ગટર ઉભરાવાની સમસ્યા

Updated: Feb 5th, 2024


Google NewsGoogle News
વઢવાણ જીઆઈડીસીમાં બિસ્માર રસ્તા અને ગટર ઉભરાવાની સમસ્યા 1 - image


- સત્વરે સમસ્યાનો ઉકેલ લાવવા માંગ

- ઔદ્યોગિક એકમોમાં પ્રાથમિક સુવિધાઓના અભાવે ઉદ્યોગકારો અને શ્રમિકો ત્રસ્ત

સુરેન્દ્રનગર : વઢવાણ જીઆઈડીસીમાં અનેક નાના-મોટા એકમો આવેલા છે પરંતુ તંત્ર દ્વારા આ વિસ્તારમાં પ્રાથમિક સુવીધાઓ પુરી પાડવામાં ના આવતાં અનેક ઉદ્યોગકારોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. જેમાં ગટર અને રસ્તા સહિતની સુવિધાઓ ના મળતા તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે.

વઢવાણ જીઆઈડીસીમાં અંદાજે ૩૦૦થી વધુ નાના-મોટા એકમો આવેલા છે. જેમાં અનેક શ્રમીકો તેમજ કારીગરો કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. અહિં ઉદ્યોગ ધરાવતા ઉદ્યોગકારો પાલિકા તંત્ર તેમજ જીઆઈડીસીને વેરો ચુકવી ડબલ માર સહન કરી રહ્યાં છે પરંતુ આ વિસ્તારમાં પાલિકા તંત્ર દ્વારા ઔદ્યોગિક એકમોમાં રોડ, રસ્તા, ગટર, સફાઈ સહિતની સુવિધાઓ પુરી પાડવામાં આવતી ના હોવાની ફરિયાદો ઉઠી છે. 

જેના કારણે એકમોના માલીક સહિત અહિ કામ અર્થે આવતાં કારીગરોને હાલાકી પડી રહી છે. છેલ્લા ઘણા સમયથી વઢવાણ જીઆઈડીસીના રસ્તાઓ બિસ્માર બની ગયા છે. આથી બહારથી કાચો માલ ભરી આવતા અને એકમોમાંથી અન્ય જગ્યાએ માલ લઈ જતા ટ્રકચાલકોને મુશ્કેલી ભોગવવાનો વારો આવી રહ્યો છે. તેમજ બિસ્માર રસ્તાને કારણે ટ્રકને પણ નુકશાન થાય છે. 

જ્યારે યોગ્ય રીતે ગટરોની સફાઈ પણ કરવામાં ન આવતાં ગટરોના ગંદા પાણી એકમો સુધી ફેલાય છે અને રોગચાળો ફેલાવાની દહેશત પણ સેવાઈ રહી છે. જે મામલે અનેક વખત પાલિકા તંત્રને રજુઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ આવતો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યાં છે.

ત્યારે તાત્કાલીક વઢવાણ જીઆઈડીસી વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં આવે તેવી ઔદ્યોગિક એકમોના માલિકો સહિતનાની માંગ છે.



Google NewsGoogle News