વિચરતી વિમુક્ત જાતિના લોકોને આધારકાર્ડ કઢાવવામાં મુશ્કેલી
- જન્મના પ્રમાણપત્રના અભાવે
- ચૂંટણીકાર્ડ સહિતના દસ્તાવેજને માન્ય ગણવા લેખીત રજૂઆત
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં વસવાટ કરતા વિચરતી વિમુક્ત જાતિના લોકોને જન્મ પ્રમાણપત્રના અભાવે આધારકાર્ડ કઢાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવા અંગેની વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરીમાં લેખીત રજૂઆત કરવામાં આવી હતી.
વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે લેખીત રજૂઆત કરી હતી કે, વિચરતી વિમુક્ત જાતિના લોકો કામધંધા અર્થે સ્થળાંતર કરતા હોય છે. જેથી ગ્રામ પંચાયત કે પાલિકામાં જન્મની નોંધણી કરાવેલી ન હોવાથી જન્મનુ પ્રમાણપત્ર મળતું નથી.
આધારકાર્ડ કઢાવવા માટે ફરજીયાત જન્મનું પ્રમાણપત્ર માંગવામાં આવે છે. જેથી જન્મના પ્રમાણપત્રના અભાવે આધારકાર્ડ ન નિકળતા સરકારી યોજનાઓના લાભથી વંચીત રહે છે. જેથી વિચરતી વિમુક્ત જાતિના આવા લોકો માટે જેમની પાસે જન્મનું પ્રમાણપત્ર ન હોય તેવા લોકો માટે ચૂંટણી કાર્ડ, સરકારી હોસ્પિટલના ડોક્ટરનું સર્ટિફિકેટ કે સક્ષમ અધિકારી દ્વારા વેરીફાઇ કરી આપવામાં આવે તેને માન્ય ગણવામાં આવે તેવી માંગ કરી હતી.