ધ્રાંગધ્રાના શીતળા માતા મંદિર અને કલ્યાણેશ્વર મહાદેવ મંદિરે તસ્કરો ત્રાટક્યા
- પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
- દાન પેટી, રોકડ રકમ સહિતના મુદ્દામાલની ચોરી કરી ફરાર
સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં આવેલા શીતળા માતાજીના મંદિર સહિત બે મંદિરોમાં તસ્કરો ત્રાટક્યા હતા. આ ચોરીના બનાવ અંગે પોલીસને જાણ કરતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારો તેમજ તાલુકાઓમાં ચોરીના બનાવો વધી રહ્યાં છે. જેમાં તસ્કરો દ્વારા દુકાનો, રહેણાંક મકાનોમાં ચોરીના બનાવો અગાઉ સામે આવી ચુક્યા છે. ત્યારે હવે તસ્કરોએ મંદિરોને પણ નિશાન બનાવ્યા છે.
ધ્રાંગધ્રા ખાતે આવેલા શીતળા માતાજીના મંદિરમાં મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા અને મંદિરના તમામ રૂમોના તાળાઓ તોડી દાનપેટી સહિતની ચીજવસ્તુઓની ચોરી કરી નાસી છુટયા હતાં. જે અંગેની જાણ મંદિરના પુજારીને થતાં આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી.
આ ઉપરાંત ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં આવેલા કલ્યાણેશ્વર મહાદેવના મંદિરમાં પણ તસ્કરોએ મોડીરાત્રે પ્રવેશ કરી તાળા તોડી દાનપેટીની રકમ સહિતના મુદ્દામાલની ચોરી કરી નાસી છુટયા હતાં. જ્યારે આ મામલે ધ્રાંગધ્રા સિટી પોલીસે બન્ને મંદિરોની મુલાકાત લઈ તસ્કરોને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
એક સાથે બે મંદિરોમાં ચોરી થતાં તસ્કરોને સત્વરે ઝડપી પાડવામાં આવે તેવી માંગ ઉઠી છે. બન્ને મંદિરોમાં કેટલી રકમની રોકડ અને કેટલા મુદ્દામાલની ચોરી થઈ તે પોલીસ તપાસ બાદ જ માલુમ પડશે પરંતુ હાલ પોલીસે આ મામલે ફરિયાદની તજવીજ હાથ ધરી તપાસ હાથ ધરી છે.