Get The App

ધ્રાંગધ્રાની વર્ષો જૂની ડી.સી.ડબલ્યુ. ફેકટરીમાં ઈન્કમટેક્ષ વિભાગના દરોડા

Updated: Nov 18th, 2023


Google NewsGoogle News
ધ્રાંગધ્રાની વર્ષો જૂની ડી.સી.ડબલ્યુ. ફેકટરીમાં ઈન્કમટેક્ષ વિભાગના દરોડા 1 - image


- સવારથી મોડી સાંજ સુધી સર્ચ ઓપરેશન શરૂ રહ્યું

- હિસાબી લેવડ-દેવડ, ટર્ન ઓવર સહિતના ચોપડાઓનું ચેકીંગ હાથ ધરાયુંઃ ફેકટરીના અધિકારીઓની પૂછપરછ કરવામાં આવી 

સુરેન્દ્રનગર : જિલ્લાના ધાંગધ્રા શહેરમાં આવેલી વર્ષો જૂની  ડી.સી.ડબલ્યુ. ફેકટરીમાં  ઈન્કમટેક્ષ વિભાગનાં અધિકારીઓ દ્વારા દરોડા પાડી ચેકીંગની કાર્યવાહી હાથધરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. જેમાં સવારથી મોડી સાંજ સુધી સર્ચ ઓપરેશન શરૂ રહ્યું હતું. 

ધ્રાંગધ્રા ખાતે આવેલ અને વર્ષો જુની એવી ધ્રાંગધ્રા કેમીકલ વર્કસ (ડી.સી.ડબલ્યુ.) ફેકટરીમાં વ્હેલી સવારે ૪ થી ૫ ગાડીઓ સાથે ઈન્કમટેક્ષ વિભાગના અધિકારીઓએ દરોડા પાડયા હતાં અને સર્ચ ઓપરેશન હાથધર્યું હતું. જેમાં ફેકટરી દ્વારા કરવામાં આવેલ અલગ-અલગ પ્રકારની આર્થિક લેવડ-દેવડ, હિસાબો, વાર્ષિક ટર્નઓવર, બીલો, ટેક્ષની રકમ સહિતની બાબતો અંગે ઝીણવટભરી તપાસ હાથધરવામાં આવી હતી તેમજ આર્થિક લેવડ-દેવડ સહિતના ડોક્યુમેન્ટ અને રજીસ્ટરો પણ ચેક કરવામાં આવ્યા હતાં. તેમજ ફેકટરીના અધિકારીઓને અલગ-અલગ ઓફીસોમાં બેસાડી પુછપરછ હાથધરવામાં આવી હોવાનું પણ બહાર આવ્યું હતું. 

ડી.સી.ડબલ્યુ. ફેકટરીનું વાર્ષિક ટર્ન ઓવર કરોડો રૂપિયાનું છે .ત્યારે આર્થિક લેવડ-દેવડમાં ક્યાંકને ક્યાંક ગેરરીતી થઈ હોવાની માહિતીના આધારે ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા અચાનક દરોડા પાડવામાં આવ્યા હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. સવારથી ચાલી રહેલા સર્ચ ઓપરેશનને ધ્યાને લઈ અનેક તર્ક વિતર્કો પણ થવા લાગ્યા હતા અને ફેકટરી દ્વારા કરોડો રૂપિયાની ટેક્ષચોરી બહાર આવે તેવી પણ શક્યતાઓ હાલ સેવાઈ રહી છે. સવારથી મોડીરાત સુધી ચાલેલા સર્ચ ઓપરેશનમાં ચોક્કસ ટેક્ષચોરીની રકમ બહાર આવી નથી પરંતુ હજુ પણ સર્ચ ઓપરેશન ચાલશે તેમ લાગી રહ્યું  છે. 

ઈન્કમટેક્ષ વિભાગના દરોડાના કારણે ફેકટરીને કોર્ડન કરવામાં આવી હતી અને ફેકટરીમાં અવર-જવર પર પ્રતિબંધ મુકી સવારથી ઈન્કમટેક્ષ વિભાગના અલગ-અલગ અધિકારીઓ દ્વારા પુછપરછ તેમજ સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. ધ્રાંગધ્રા ખાતે આવેલ ડી.સી.ડબલ્યુ. ફેકટરી વર્ષો જુની ફેકટરી છે અને અનેક લોકો તેમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી પણ મોટીસંખ્યામાં લોકો આ ફેકટરીમાં કામ કરી રહ્યાં છે ત્યારે ફેકટરીમાં ઈન્કમટેક્ષ વિભાગના દરોડાના સમાચારથી સમગ્ર પંથકમાં તેમજ ફેકટરીના કર્મચારીઓમાં પણ અનેક ચર્ચાઓ થવા લાગી હતી.


Google NewsGoogle News