ધ્રાંગધ્રા તાલુકા પોલીસે ક્વાંટ-મોરબી એસ.ટી. બસમાંથી ઈંગ્લીશ દારૂ ઝડપી પાડયો
- બે શખ્સોને રૂા. 36,735 ના મુદ્દામાલ સાથે ઝડપી કાર્યવાહી હાથ ધરાઇ
ધ્રાંગધ્રા : સુરેન્દ્રનગર જીલ્લામાંથી ૫સાર થતાં ખાનગી વાહનો તેમજ એસ.ટી.બસોમાં મોટાપાયે ઈંગ્લીશ દારૂની હેરાફેરી થતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે તેમજ અગાઉ પણ એસ.ટી. બસમાંથી દારૂ સાથે શખ્સો ઝડપાઈ ચુક્યા છે ત્યારે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ ટીમ દ્વારા બાતમીના આધારે ક્વાંટ-મોરબી રૂટની એસ.ટી. બસમાંથી બે શખ્સોને ઈંગ્લીશ દારૂની બોટલો સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ધ્રાંગધ્રા તાલુકામાંથી પસાર થનાર ક્વાંટ-મોરબી રૂટની એસ.ટી. બસમાં ઈંગ્લીશ દારૂ લઈ જતા હોવાની બાતમીના આધારે ધ્રાંગધ્રા તાલુકા પી.એસ.આઈ. સહિતના સ્ટાફે બાતમીના આધારે ચેકીંગ હાથધર્યું હતું. જે દરમ્યાન એસ.ટી. બસમાંથી બે શખ્સો નંદુભાઈ શંકરભાઈ તોમર ઉ.વ.૨૨, રહે.મધ્યપ્રદેશ અને મહેશભાઈ જેહલાભાઈ ખાવરીયા ઉ.વ.૨૨, રહે.મધ્યપ્રદેશવાળાને ઈંગ્લીશ દારૂની બોટલો નંગ-૩૫ અને બીયરના ટીન નંગ-૯૩ મળી કિંમત રૂા.૨૬,૭૩૫ તેમજ બે મોબાઈલ ફોન કિંમત રૂા.૧૦,૦૦૦ મળી કુલ રૂા.૩૬,૭૩૫ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધ્રાંગધ્રા પોલીસ મથકે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. આ સમગ્ર કામગીરીમાં ધ્રાંગધ્રા ડી.વાય.એસ.પી., જે.ડી.પુરોહિતના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ., આર.જે.જાડેજા તેમજ સ્ટાફના આઈ.વી.રાઠોડ, વિક્રમભાઈ રબારી, મહાવિરસિંહ ચૌહાણ સહિતનાઓએ સફળ કામગીરી કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે એસ.ટી.બસમાં પણ હવે દારૂની હેરાફેરી વધી રહી છે ત્યારે એસ.ટી. વિભાગ દ્વારા પણ બસમાં જણાઈ આવતાં શંકાસ્પદ મુસાફરોનું ચેકીંગ હાથધરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે.