ધ્રાંગધ્રા અને આડેસર ફોરેસ્ટ ઓફિસે 150 જેટલા અગરિયાઓના એક દિવસીય ધરણા

Updated: Feb 26th, 2024


Google NewsGoogle News
ધ્રાંગધ્રા અને આડેસર ફોરેસ્ટ ઓફિસે 150 જેટલા અગરિયાઓના એક દિવસીય ધરણા 1 - image


- સાંતલપુરના અગરિયાઓની ઉગ્ર રજૂઆત

- રણમાં મીઠુ પકવવા પ્રવેશ નહીં આપતા હાલાકી : બીજી વખત ધરણા પર બેઠાં છતાં પ્રશ્ન વણઉકેલાયો રહ્યો   

સુરેન્દ્રનગર : કચ્છના નાના રણના સાંતલપુર વિસ્તારમાં પરંપરાગત પેઢી દર પેઢી મીઠુ પકવતા અગરિયાઓને રણમાં નહીં પ્રવેશ કરવા દેતા હોવા અંગે અગાઉ રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાંય કોઈ જ ઉકેલ ન આવતાં સતત બીજી વખત અગરિયાઓ દ્વારા ધ્રાંગધ્રા ફોરેસ્ટ ઓફિસ ખાતે એક દિવસીય ધરણા યોજી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. જેમાં અગરિયા પરિવારની મહિલાઓ પણ મોટીસંખ્યામાં જોડાઈ હતી.

કચ્છના નાના રણના સાંતલપુર વિસ્તારમાં પરંપરાગત પેઢી દર પેઢી મીઠુ પકવતા અગરિયાઓને રણમાં નહીં પ્રવેશ કરવા દેતા હોવાની રજૂઆતને ધ્યાને લઈ બીજી વખત ધ્રાંગધ્રા ફોરેસ્ટ ઓફિસ ખાતે અગરિયાઓ પરિવારની મહિલાઓ સાથે એક દિવસીય ધરણા યોજી વિવિધ માંગો અંગે રજૂઆત કરી હતી. 

જેમાં તેઓના વિસ્તારમાં મોટાભાગના પરંપરાગત પેઢી દર પેઢી મીઠું પકવતા અગરિયાઓનો સરકાર દ્વારા સમાવેશ કરવામાં આવ્યો નથી અને પ્રવેશ કાર્ડ પણ આપવામાં આવ્યા નથી. સાંતલપુરના અગરિયાઓ દસ એકર જમીનમાં વર્ષોથી મીઠું પકવતા હોવા છતાં સરકારના અધિકારીઓ દ્વારા તેઓને પ્રવેશ કાર્ડ આપવામાં આવતું નથી તેમ જણાવ્યું હતું. 

તેમજ મોટા વગ ધરાવતા અગરિયાઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે અને જે લોકો ગરીબ અને મધ્યમ વર્ગના આગરિયાઓ છે તેઓને પ્રવેશ કાર્ડ આપવામાં આવતું ના હોવાના આક્ષેપો કર્યાં હતાં. અગાઉ આ તમામ મુદ્દે અગરિયાઓ દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ કોઈ જ ઉકેલ આવ્યો નહોતો.

આથી સતત બીજી વાર ૧૫૦ જેટલાં અગરિયાઓ અને મહિલાઓ પરિવાર સાથે ધ્રાંગધ્રા ફોરેસ્ટ ઓફિસ ખાતે એકત્ર થયા હતા અને એક દિવસીય ધરણા પર બેસી પડતર માંગો અંગે રજૂઆતો કરવામાં આવી હતી. તેમજ માંગ સ્વીકારવામાં ના આવતા આડેસર ખાતે આવેલા ફોરેસ્ટ ઓફીસમાં પણ પરિવાર સાથે ઉપવાસ આંદોલન પર બેઠા હતા.

જ્યારે રજૂઆત દરમિયાન ધ્રાંગધ્રા ફોરેસ્ટ ઓફીસ ખાતે કોઈપણ જવાબદાર અધિકારી હાજર ન મળતાં અગરિયાઓમાં રોષ જોવા મળ્યો હતો.


Google NewsGoogle News