ધોળકા શહેરનું 'વિરાટ સરોવર' ગંદકીથી ખદબદતા લોકોમાં રોષ
- કરોડોનો ખર્ચ કરવા છતાં જાળવણીના અભાવે બિસ્માર
- પાલિકા દ્વારા શહેરની ગટરનું ગંદુ પાણી સરોવરમાં ઠલવાતા ચોમેર દુર્ગંધ અને મચ્છરોનો ઉપદ્રવ
બગોદરા : અમદાવાદ જિલ્લાના ધોળકા શહેરમાં નગરપાલિકાએ બે સરોવરનું ડેવલોપિંગ કર્યું છે જેમાંથી વિરાટ સરોવર પાછળ કરોડો રૂપિયા ખર્ચવા છતાં તેની જાળવણીના અભાવે આ સરોવર ગંદકીથી ખદબદી રહ્યું છે ત્યારે સરોવરની જાળવણી કરાય અને ગંદકી દુર કરી લોકભોગ્ય બનાવાય તેવી રહિશોમાં માગ ઉઠી છે.
અમદાવાદ જિલ્લાના ધોળકા શહેરમાં ધોળકા નગરપાલિકાએ એક અટલ સરોવર અને બીજું મઘીયા વિસ્તારમાં વિરાટ સરોવર બનાવ્યું છે. વિરાટ સરોવર બનાવવા માટે કરોડોનો ખર્ચો ધોળકા નગર પાલિકાએ કર્યો છે છતાં તેની જાળવણી કરવામાં આળસ કરી રહ્યું છે. તળાવમાં શહરનું ગટરનું ગંદુ પાણી ઠાલવી તળાવમાં ગંદકી ફેલાવાવમાં આવી રહી છે, ગાર્ડનમાં કચરાના ઢગ જોવા મળી રહ્યા છે, તળાવમાં લીલા પાણીમાં પણ ગંદકીના ગંજ જામેલા જોવા મળી રહ્યા છે. તળાવને ફરતે પાકી સુંદર બોર્ડર બનાવી ગેટ બનાવ્યો છે જેની શરૂઆતમાં જ ગેટ પર પણ અસહ્ય ગંદકીનો જમાવડો જોવા મળે છે, તળાવમાં ગંદા પાણીના કારણે દુર્ગંધ મારતા અહીં આવતા શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. આજુ બાજુની સોસાયટીઓમાં મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે ત્યારે ધોળકા નગરપાલિકાના એસી ચેમ્બરોમાં બેસી રહેતા અધિકારી- સત્તાધીસો કરોડોના ખર્ચે બનાવેલ વિરાટ તળાવની જાળવણી કરવામાં આળસ ખંખેર તેવી લોકમાં માંગ ઉઠી છે.