લખતર શહેરી વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ ન થતાં હાલાકી

Updated: Aug 5th, 2024


Google NewsGoogle News
લખતર શહેરી વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ ન થતાં હાલાકી 1 - image


- વરસાદી પાણીનું વહન કરતી કેનાલમાં સફાઈના અભાવે પાણીનો નિકાલ ન થતાં મુશ્કેલી

- તલાવડીથી આદલસર રોડ સુધી કેનાલની સફાઈ કરવાની માંગ

સુરેન્દ્રનગર

લખતર સ્ટેટ દ્વારા જેતે સમયે ગામનો વિકાસ કરવામાં આવ્યો ત્યારે ગામમાંથી વારસાદી પાણીનો નિકાલ કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં મેઈન બજાર અને ખારીયા વિસ્તારનું પાણી કાદેસરની બારી પાસેથી બહાર નીકળી કળમ ગામ તરફ જવાની વ્યવસ્થા કરાઈ હતી. પરંતુ આગળ તળાવ પાસે બુરાણ કરી દેવામાં આવતાં વરસાદી પાણીનો નિકાલ થઈ શકતો નથી. આથી વરસાદી પાણીનું વહન કરતી કેનાલની સફાઈ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

આ અંગે મળતી માહિતી મુજબ લખતર ગામમાંથી વરસાદી પાણીનો નિકાલ થાય અને ગામમાં કોઈ સમસ્યા ન સર્જાય તે માટે દરબાર ગઢ, બ્રહ્મપોળ, વડવાળી શેરીનું તેમજ શીયાણી દરવાજા પાસેનું વરસાદી પાણી કોળી અને વણકરવાસમાં થઈ બારી પાસે થઈને કાદેસર તળાવ પાસે આવેલ આદલસર રોડ ઉપર નાળામાં થઈને કળમ તરફ જાય  છે પરંતુ કપુડી તળાવમાં મોટાપાયે બુરાણ કરી દેવામાં આવ્યું છે તેમજ કાદેસર રોડ સુધી વરસાદી પાણીનું વહન કરતી કેનાલમાં પણ પુષ્કળ પ્રમાણમાં ઘાસ તેમજ બાવળો ઉગી નીકળ્યા છે જેના કારણે વરસાદી પાણીનો નિકાલ થઈ શકતો નથી. આથી કેનાલની સફાઈ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. હજુ માત્ર સામાન્ય વરસાદમાં ખરાબ પરિસ્થિતિ સર્જાઈ છે પરંતુ જો ભારે વરસાદ પડે તો વણકરવાસ, કોળીવાસ સહિતના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી ભીતી સેવાઈ રહી છે અને રોગચાળો પણ ફેલાઈ શકે છે. જીલ્લા કલેકટર દ્વારા તાજેતરમાં તમામ તાલુકાઓના અધિકારીઓની બેઠક બોલાવી દરેક ગામમાં કામગીરી કરવાની સુચનાઓ આપી હતી છતાં. લખતર ગ્રામ પંચાયત દ્વારા કોઈપણ જાતની કામગીરી કરવામાં ન આવતાં ગ્રામજનોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે જે મામલે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.



Google NewsGoogle News